નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી વનડે મેચમાં ભારતીય ટીમે 7 વિકેટે જીત મેળવીને પાંચ મેચોની વનડે સિરીઝમાં 3-0ની અજેય લીડ મેળવી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની ટીમ 243 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતને જીતવા માટે 244 રનનો લક્ષ્ય આપ્યો હતો. ભારતીય ટીમે રોહિત શર્મા અને વિરાટની અડધી સદીની મદદથી 43 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. અંબાતી યારડૂ 40 અને દિનેશ કાર્તિક 38 રન બનાવી અણનમ રહ્યાં હતા. આ સાથે ભારતીય ટીમે પાંચ મેચોની વનડે સિરીઝ પણ પોતાના નામે કરી લીધી છે. શ્રેણીની ચોથી વનડે મેચ 31 જાન્યુઆરીએ રમાશે. તો આ મેચમાં પાંચ ખેલાડી હીરો બનીને બહાર આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની જીતના પાંચ હીરો

મોહમ્મદ શમી
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે 10 ઓવરમાં 41 રન આપીને 3 સફળતા મેળવી હતી. ઈનિંગની બીજી ઓવરમાં શમીએ ન્યૂઝીલેન્ડના ઓપનર કોલિન મુનરોને આઉટ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ તેણે ઈનિંગની 46મી ઓવરમાં રોસ ટેલરને 92 રને આઉટ કર્યો હતો. ટેલર આઉટ થતા ન્યૂઝીલેન્ડની ટીમ 243 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 


હાર્દિક પંડ્યાની વાપસી
ટીવી શોમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ હાર્દિક પંડ્યા આજે પ્રથમવાર મેદાનમાં ઉતર્યો હતો. તેણે શાનદાર પ્રદર્શન કરતા બે વિકેટ ઝડપી હતી. પરંતુ આ સાથે તેણે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનનો શાનદાર કેચ પણ કર્યો હતો. 


ચહલ-ભુવીની શાનદાર બોલિંગ
ભુવનેશ્વર કુમારે પણ સાતમી ઓવરમાં માર્ટિન ગુપ્ટિલને આઉટ કરીને ન્યૂઝીલેન્ડને બીજો ઝટકો આપ્યો હતો. તેણે બોલ્ટને પણ આઉટ કર્યો હતો. આજે કુલદીપ યાદવને એકપણ સફળતા ન મળી પરંતુ ચહલે બે વિકેટ ઝડપી હતી. તેણે ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને આઉટ કરીને કીવી ટીમને બેકફૂટ પર ધકેલી લીધી હતી. ત્યારબાદ અડધી સદી ફટકારનાર ટોમ લાથમને આઉટ કર્યો હતો. 


વિરાટ-રોહિતની ભાગીદારી
ભારતે 39 રનના સ્કોર પર પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ રોહિત શર્મા અને કેપ્ટન વિરાટ કોહલીએ બીજી વિકેટ માટે સદીની ભાગીદારી કરીને ભારતની જીત નક્કી કરી હતી. બંન્નેએ બીજી વિકેટ માટે 113 રન જોડ્યા હતા. આ દરમિયાન પોત-પોતાની અડધી સદી પણ પૂરી કરી હતી. રોહિત શર્મા 77 બોલમાં 62 રન બનાવી આઉટ થયો હતો. તો કોહલીએ 74 બોલમાં 60 રન ફટકાર્યા હતા. 


રાયડૂ-કાર્તિકનું ફિનિશ
ભારતે 168 રને ત્રીજી વિકેટ ગુમાવી હતી. ત્યારે ભારતને જીતવા માટે 77 રનની જરૂર હતી. પરંતુ રાયડૂ અને કાર્તિકે ચોથી વિકેટ માટે 77 રન જોડીને ભારતને 43 ઓવરમાં જીત અપાવી દીધી હતી. અંબાતી રાયડૂએ 42 બોલમાં 40 અને દિનેશ કાર્તિકે 38 બોલમાં 38 રન ફટકાર્યા હતા. અંતમાં બંન્ને અણનમ રહ્યાં હતા.