પેરિસઃ પેરિસ ઓલિમ્પિક્સમાંથી ભારત માટે સારા સમાચાર સામે આવ્યા છે. ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને હરાવી દીધું છે. ભારતે બ્રોન્ઝ મેડલ મેચમાં 2-1થી જીત મેળવી હતી. ભારત માટે બંને ગોલ કેપ્ટન હરમનપ્રીત સિંહે કર્યાં હતા. આ સાથે ભારતે ટોક્યો ઓલિમ્પિક્સ બાદ પેરિસમાં પણ પોડિયમ ફિનિશ કરતા બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. ઓપિમ્લિક્સ 2024માં ભારતના ખાતામાં આ ચોથો મેડલ આવ્યો છે. ભારતે અત્યાર સુધી ચારેય બ્રોન્ઝ મેડલ કબજે કર્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીજેશને સન્માનજનક વિદાય
બ્રોન્ઝ મેડલની સાથે હોકી ટીમે પોતાના સીનિયર પ્લેયર અને દિગ્ગજ ગોલકીપર શ્રીજેશને મેડલ સાથે વિદાય આપી કારણ કે તેણે પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. તેવામાં શ્રીજેશને સન્માનજનક વિદાય પણ ભારતના આ શાનદાર પ્રદર્શનને કારણે શક્ય બની છે.

પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમનો સ્કોર 0-0
ભારત અને સ્પેન વચ્ચે પ્રથમ ક્વાર્ટરમાં રોમાંચક રમત જોવા મળી હતી. બંને ટીમોએ એકબીજાને આકરી ટક્કર આપી હતી. પરંતુ બંનેમાંથી કોઈ ટીમ ગોલ કરી શકી નહીં.


સ્પેને મેળવી લીડ, ભારતની વાપસી
બીજા ક્વાર્ટરમાં સ્પેને ગોલ કરી 1-0ની લીડ મેળવી હતી. સ્પેન તરફથી માર્ક મિરાલેસે ગોલ કર્યો હતો. સ્પેને ગોલ કર્યાં બાદ ટીમ ભારતે બીજા ક્વાર્ટરના અંતમાં વાપસી કરી હતી. કેપ્ટન હરમનપ્રીત સિંહે ગોલ કરી સ્કોર બરોબર કર્યો હતો. હાફ ટાઈમ સુધી બંને ટીમનો સ્કોર 1-1થી બરોબર રહ્યો હતો.


કેપ્ટને ભારતને અપાવી લીડ
ત્રીજા ક્વાર્ટરની શરૂઆત ભારતે આક્રમક કરી હતી. ભારત માટે 33મી મિનિટમાં કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો. આ ગોલ સાથે મેચમાં ટીમ ઈન્ડિયાએ 2-1ની લીડ મેળવી લીધી હતી. ત્રીજા ક્વાર્ટરમાં ભારત અને સ્પેનને પણ પેનલ્ટી કોર્નરથી ગોલ કરવાની તક મળી હતી. પરંતુ બંને ટીમ તેનો ફાયદો ઉઠાવી શકી નહીં. ત્રીજા ક્વાર્ટરના અંતે ભારતે 2-1ની લીડ જાળવી રાખી હતી. 


ચોથા ક્વાર્ટરનો રોમાંચ
ચોથા ક્વાર્ટરમાં બંને ટીમ દ્વારા ગોલ કરવાના ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્પેનને પેનલ્ટી કોર્નર પણ મળ્યો હતો. પરંતુ ભારતીય ડિફેન્સે તેનો શાનદાર રીતે બચાવ કર્યો હતો.  ચોથા ક્વાર્ટરમાં સ્પેને ગોલ કરવાના ભરપૂર પ્રયાસ કર્યાં હતા. પરંતુ ભારતીય ટીમના ગોલકીપર શ્રીજેશે શાનદાર સેવ કર્યાં હતા. ચોથા ક્વાર્ટરના અંતે ભારતે 2-1થી મેચ જીતી લીધી હતી.


પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતે જીત્યો ચોથો મેડલ
પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતના ખાતામાં ચોથો મેડલ આવ્યો છે. ભારતને પહેલા ત્રણ બ્રોન્ઝ મેડલ શૂટિંગમાં મળ્યા હતા. હવે હોકીમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો છે. શૂટિંગમાં મનુ ભાકરે 10 મીટર પિસ્તોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ મિક્સ ટીમ ઈવેન્ટમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. આ સિવાય પુરૂષોની 50 મીટર થ્રી પોઝિશનમાં ભારતના સ્વપ્નિલ કુસાલેએ બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો.