સૈયદ કિરમાણીની સલાહ, ટીમ ઈન્ડિયાનું વિકેટકીપિંગ નબળું, કોચની જરૂર
સૈયદ કિરમાણીએ જણાવ્યું કે, જ્યાં સુધી મારો દૃષ્ટિકોણ છે, વિકેટકિપિંગ બેકબેન્ચ પર આવી ગયું છે, વિકેટકીપિંગમાં કોઈ પણ ટેક્નીકને ફોલો કરતું નથી
નવી દિલ્હીઃ વિકેટની પાછળ પોતાની ચપળતા માટે પ્રખ્યાત 1983ની વિશ્વવિજેતા ટીમના સભ્ય રહેલા સૈયદ કિરમાણીનું માનવું છે કે, વર્તમાન સમયમાં ભારતને એક વિકેટકિપીંગ કોચની જરૂર છે, જે વિકેટકિપીંગની ટેક્નીકપર ધ્યાન આપી શકે. સૈયદ કિરમાણીના મતે આજના યુગમાં વિકેટકિપીંગમાં ટેક્નીક બેકબેન્ચ પર જતી રહી છે.
ભારતના સૌથી સફળ વિકેટકીપરોમાંના એક કિરમાણીનું માનવું છે કે, યુવાન વિકેટકીપર ઋષભ પંતમાં પ્રતિભા છે, પરંતુ તેણે વિકેટકીપિંગમાં હજુ ઘણું કામ કરવાનું છે. કેટલાક સમય સુધી ક્રિકેટથી દૂર રહેલા કિરમાણી ફરી એક વખત કોમેન્ટ્રી કરતા જોવા મળશે. તે આ વખતે ટીવી પર નહીં પરંતુ રેડિયો પર ઉપલબ્ધ રહેશે. તેઓ સ્પોર્ટ્સ ફ્લેશ ઓનલાઈન રેડિટો યેનલની કોમેન્ટ્રી ટીમમાં સામેલ થયા છે.
સ્પોર્ટ્સ રેડિયો-ચેનલ સ્પોર્ટ્સ ફ્લેશ દ્વારા ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના ઓડિયો બ્રોડકાસ્ટ અધિકાર ખરીદવામાં આવ્યા છે. આ રેડિયો ચેનલ સમગ્ર વિશ્વમાં રમાનારી ભારતની મેચોની ઓડિયો કોમેન્ટ્રીનું જીવંત પ્રસારણ કરશે.
આ પ્રસંગે કિરમાણીએ જણાવ્યું કે, વિકેટકિપીંગ ક્રિકેટનું એક મહત્ત્વનું પાસું છે. વર્તમાન સમયમાં તેના માટે એક વિશેષજ્ઞ કોચની જરૂર છે, જે વિકેટકિપીંગની નાની-નાની બાબતો પર ધ્યાન આપી શકે.
તેમણે વધુમાં જણાવ્યું કે, "અમારા સમયના ક્રિકેટ અને વર્તમાન સમયના ક્રિકેટમાં જમીન-આસમાનનું અંતર આવી ગયું છે. અમારા સમયમાં કોઈ કોચ ન હતો કે કોઈ સપોર્ટ સ્ટાફ પણ રહેતો ન હતો. વર્તમાન યોગમાં 8 કે 9 જેટલો તો સપોર્ટ સ્ટાફ હોય ચે. રમતના દરેક પાસા માટે એક વ્યક્તિ હાજર હોય છે. ટેક્નીક આવી ચુકી છે, વલણ બદલાઈ ચૂક્યું છે. અમારા સમયમાં અમે એક-બીજાને જોઈને જ શીખતા હતા."