તેજિંદર પાલ સિંઘે ભારતને અપાવ્યો 7મો ગોલ્ડ, શોટપૂટ રમતમાં એશિયાડમાં રચ્યો નવો ઈતિહાસ
તેજિંદરે 20,75નો રેકોર્ડ થ્રો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો અને નેશનલ રેકોર્ડ બનાવીને ઈતિહાસ રચ્યો, એશિયન રમતોત્સવનો પણ આ રેકોર્ડ છે
જકાર્તાઃ તેજિંદરપાલ સિંહ તૂરે એશિયન રમતોત્સવમાં પુરુષોના શોટપુટમાં રેકોર્ડ બનાવવાની સાથે જ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ મેડલ સાથે એથલેટિક્સમાં ભારતનું ખાતું ખુલ્યું છે. તેજિંદર મૈદાનમાં સૌથી શક્તિશાળી ખેલાડી તરીકે ઉતર્યો હતો અને તેણે આ બાબત સાચી પણ કરી બતાવી હતી. વર્તમાન સિઝનમાં સર્વશ્રેષ્ઠ દેખાવ પણ તેના નામે જ નોંધાયેલો હતો.
23 વર્ષના તેજિંદરે અહીં જીબીકે મેઈન સ્ટેડિયમમાં પ્રથમ પ્રયાસમાં 19.96, બીજા પ્રયાસમાં 19.15 મીટરનો થ્રો કર્યો હતો. જોકે, તેનો ત્રીજો પ્રયાસ ફાઉલ રહ્યો હતો. ચોથા પ્રયાસમાં તેણે 19.96 અને પછી પાંચમાં પ્રયાસમાં 20.75 મીટરનો રેકોર્ડ બનાવતો થ્રો ફેંકીને ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો હતો. આ સાથે જ તેણે એશિયાડ અને નેશનલ બંને રેકોર્ડ પણ પોતાને નામે કર્યા હતા. તેજિંદરે પ્રકાશ કરહાનાના નામે નોંધાયેલો 20.69 મીટરનો 6 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો.
આ અગાઉ તેનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ દેખાવ 20.24 મીટરનો હતો, જે તેણે ગયા વર્ષે નોંધાવ્યો હતો. પંજાબના ખેલાડીએ પ્રથમ અને ચોથા પ્રયાસમાં 19.96મીટરના અંતરે ગોળો ફેંક્યો હતો, જ્યારે પાંચમા પ્રયાસમાં પોતાની સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કરીને ગોળાને 20.75 મીટર દૂર સુધી ફેંકી દીધો હતો. આ ઈવેન્ટમાં ચીનના લિયુ યાંગે 19.52મીટર સાથે સિલ્વર અને કઝાખસ્તાનના ઈવાન ઈવાનોવે 19.40 મીટર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
વર્ષ 2015થી ભારતીય નૌકાદળમાં કામ કરતા પંજાબના મોગા જિલ્લાનો તેજિંદર પાલ ખેડૂત પરિવારમાંથી આવે છે. 1994માં તૂર બાળપણમાં ક્રિકેટર બનવા માગતો હતો, પરંતુ પિતાના પ્રોત્સાહનથી તેણે શોટપુટ રમત પસંદ કરી હતી. ગયા વર્ષે તેજિંદરે એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ રમતોત્સવમાં નિરાશાજનક પ્રદર્શન સાથે 8મા સ્થાને રહ્યો હતો.
ઈન્ડોનેશિયામાં ચાલી રહેલા 18મા એશિયન રમતોત્સવના 7મા દિવસે ભારતને સ્કવેશમાં ત્રણ બ્રોન્ઝ મળ્યા છે. દિપિકા પલ્લીકલ અને જોશના ચિનપ્પાએ મહિલા સિંગલ્સમાં જ્યારે સૌરભ ઘોષાલે પુરુષ સિંગલ્સમાં મેડલ જીત્યો હતો. ભારતના ત્રણેય ખેલાડીને સેમિફાઈનલમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો અને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
એથલેટિક્સમાં ભારતીય એથલીટોએ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ભારતની આશાઓ જાગૃત રાખી છે. દુતી ચંદ, મોહમ્મદ અનસ અને રાજીવ અરોકિયા સેમિફાઈનલમાં પહોંચી ગયા છે. તેમના ઉપરાંત ચેતન બાલાસુબ્રમણ્યાએ પુરુષોની લાંબી કૂદ સ્પર્ધાની ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. બેડમિન્ટનમાં પી.વી. સિંધુ અને સાયના નેહવાલ મહિલા સિંગલ્સમાં ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારતને તીરંદાજીમાં એક સારા સમાચાર તો કનોએમાં નિરાશા મળી છે.