ક્રિકેટ રેકોર્ડઃ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત 600 રન બનાવનાર ટીમોની યાદી
ટેસ્ટ ક્રિકેટમાં એક ઈનિંગમાં સૌથી વધુ રનનો રેકોર્ડ શ્રીલંકાના નામે છે. તેણે ભારત વિરુદ્ધ 952 રન ફટકાર્યા હતા.
નવી દિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટનો ઈતિહાસ 141 વર્ષ જૂનો છે. ટેસ્ટ ક્રિકેટ જ ખેલાડીઓની સાચી પ્રતિભા સાબિત કરે છે. અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં 152 વખત 600થી વધુનો સ્કોર થયો છે. ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટમાં સૌથી વધુ 34 વખત 600થી વધુનો સ્કોર બનાવ્યો છે. તો ભારતીય ટીમ 31 વખત 600થી વધુનો સ્કોર કરવામાં સફળ રહ્યું છે.
ઓસ્ટ્રેલિયા (34)
ઓસ્ટ્રેલિયાએ સૌથી પહેલીવાર 600નો સ્કોર જાન્યુઆરી, 1925મા ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેલબોર્નમાં બનાવ્યો હતો. આ મેચમાં ઓસ્ટ્રેલિયા (600 તથા 250)એ ઈંગ્લેન્ડ (479 અને 280)ને 81 રને પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી ચાર વખત 700નો સ્કોર બનાવ્યો છે.
એક ઈનિંગમાં સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ 758/8 (ડિકલેર) છે, જે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 1955મા કિંગ્સ્ટનમાં બનાવ્યો હતો.
ભારત (31)
ભારતે પ્રથમવાર 600નો સ્કોર ફેબ્રુઆરી, 1979મા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ કાનપુરમાં બનાવ્યો હતો. ભારતે આ મેચની પ્રથમ ઈનિંગમાં 644/7નો સ્કોર બનાવ્યો અને આ મેચ ડ્રો રહી હતી. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ ઈનિંગમાં 452/8નો સ્કોર બનાવ્યો હતો. ભારતે અત્યાર સુધી ચાર વખત 700નો સ્કોર બનાવ્યો છે.
એક ઈનિંગમાં સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ 759/7 છે, જે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ડિસેમ્બર 2016મા ચેન્નઈમાં બન્યો હતો.
ઈંગ્લેન્ડ (20)
ઈંગ્લેન્ડે પ્રથમવાર 600નો સ્કોર ડિસેમ્બર 1928મા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડનીમાં બનાવ્યો હતો. ઈંગ્લેન્ડ (636 તથા 16/2)એ આ મેચમાં ઓસ્ટ્રેલિયા (253 તથા 397)ને આઠ વિકેટે હરાવ્યું હતું. ઈંગ્લેન્ડે અત્યાર સુધી એકવાર 900, એકવાર 800 અને એકવાર 700નો સ્કોર બનાવ્યો છે.
એક ઈનિંગમાં સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ 903/7 છે, જે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઓગસ્ટ 1938મા ઓવલમાં બન્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝ (20)
વેસ્ટ ઈન્ડિઝે સૌ પ્રથમવાર 600નો સ્કોર નવેમ્બર, 1948મા ભારત વિરુદ્ધ દિલ્હીમાં બનાવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે (631) અને ભારત (454 તથા 220/6) વચ્ચે મેચ ડ્રો રહ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે અત્યાર સુધી ચાર વખત 700નો સ્કોર બનાવ્યો છે.
એક ઈનિંગમાં સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ 790/3 છે, જે પાકિસ્તાન વિરુદ્ધ માર્ચ 1958મા કિંગસ્ટનમાં બનાવ્યો હતો.
પાકિસ્તાન (15)
પાકિસ્તાને સૌ પ્રથમ વખત 600નો સ્કોર જાન્યુઆરી, 1958મા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બ્રિઝટાઉનમાં બનાવ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ (579/9 તથા 28/0) અને પાકિસ્તાન (657/8) મેચ ડ્રો રહ્યો હતો. પાકિસ્તાને અત્યાર સુધી બે વખત 700નો સ્કોર બનાવ્યો છે.
એક ઈનિંગમાં સૌથી મોટો સ્કોરનો રેકોર્ડ 765/6 છે, જે શ્રીલંકા વિરુદ્ધ માર્ચ 2009મા કરાચીમાં બનાવ્યો હતો.
શ્રીલંકા (13)
શ્રીલંકાએ સૌ પ્રથમવાર 600નો સ્કોર ઓગસ્ટ, 1997મા કોલંબોમાં ભારત વિરુદ્ધ બનાવ્યો હતો અને આ સ્કોર ન માત્ર ટેસ્ટ તેનો પરંતુ ટેસ્ટ ક્રિકેટનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. શ્રીલંકા (952/6 દાવ ડિકલેર) અને ભારત (537/8 દાવ ડિકલેર) આ મેચ ડ્રો રહ્યો હતો.
શ્રીલંકાએ અત્યાર સુધી એકવાર 900 અને 5 વાર 700નો સ્કોર બનાવ્યો હતો.
દક્ષિણ આફ્રિકા (12)
દક્ષિણ આફ્રિકાએ સૌ પ્રથમવાર 600નો સ્કોર ડિસેમ્બર, 1966મા જોહનિસબર્ગમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બનાવ્યો હતો. દક્ષિણ આફ્રિકા (199 તથા 600)એ ઓસ્ટ્રેલિયા (325 તથા 261)ને આ મેચમાં 233 રને પરાજય આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાએ અત્યાર સુધી એકવાર પણ 700નો આંક પાર કર્યો નથી.
એક ઈનિંગમાં સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ 682/6 છે, જે ઈંગ્લેન્ડ વિરુદ્ધ જુલાઈ 2003મા લોર્ડ્સમાં બનાવ્યો હતો.
ન્યૂઝીલેન્ડ (7)
ન્યૂઝીલેન્ડે સૌ પ્રથમવાર 600નો સ્કોર ફેબ્રુઆરી, 1991મા વેલિંગટનમાં શ્રીલંકા વિરુદ્ધ બનાવ્યો હતો. ન્યૂઝીલેન્ડ (174 તથા 671/4) તથા શ્રીલંકા (497) વચ્ચે આ મેચ ડ્રો રહ્યો હતો. ન્યૂઝીલેન્ડે એકપણ વાર 700નો આંકડો પાર કર્યો નથી.
એક ઈનિંગમાં સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ 690 છે, જે નવેમ્બર 2014મા શારજાહમાં પાકિસ્તાન વિરુદ્ધ બનાવ્યો હતો.
બાંગ્લાદેશ (1)
બાંગ્લાદેશે અત્યાર સુધી માત્ર એકવાર 600નો સ્કોર બનાવ્યો છે. માર્ચ 2013મા ગોલમાં શ્રીલંકા વિરુદ્ધ બાંગ્લાદેશે આ રેકોર્ડ બનાવ્યો હતો. શ્રીલંકા (570/4 તથા 335/4) અને બાંગ્લાદેશ (638 તથા 70/1) વચ્ચે આ મેચ ડ્રો રહ્યો હતો.
31 ડિસેમ્બર, 2018 સુધી કુલ મળીને 152 વાર ટેસ્ટ ક્રિકેટમાં 600 કે તેથી વધુનો સ્કોર બની ચુક્યો છે.