કોચીઃ પ્રો કબડ્ડી લીગના પ્રથમ ક્વોલીફાયર મુકાબલામાં બેંગલુરૂ બુલ્સે ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્સને 41-29થી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. આ સાથે પ્રો કબડ્ડી લીગના ઈતિહાસમાં ગુજરાત વિરુદ્ધ બુલ્સની આ પ્રથમ જીત છે. પરંતુ ગુજરાતની ટીમને ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક મળશે. તેનો મુકાબલો બીજા ક્વોલીફાયરમાં દબંગ દિલ્હી અથવા યૂપી યોદ્ધા વચ્ચે રમાનારા મેચના વિજેતા સામે થશે. ગુજરાત પ્રો કબડ્ડીની પાંચમી સિઝનમાં પણ ફાઇનલમાં પહોંચ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેંગલુરૂ બુલ્સના કેપ્ટન રોહિત કુમારે પ્રથમ પોઈન્ટ હાસિલ કરતા પ્રો કબડ્ડી લીગમાં પોતાના 600 પોઈન્ટ પૂરા કર્યા અને આ સાથે પવન કુમાર સેહરાવતે પણ આ સિઝનમાં પોતાનો 250 પોઈન્ટ પૂરા કર્યા છે. આમ કરનાર તે પ્રથમ ખેલાડી પણ બન્યો છે. 


ગુજરાતે ટોસ જીતીને પ્રથમ કોર્ટનો નિર્ણય કર્યો હતો. પરંતુ પહેલા ક્વોલીફાયર પોઈન્ટ પવને મેળવ્યો હતો. ત્યારબાદ ગુજરાત માટે સચિને બે પોઈન્ટ લઈને ટીમને લીડ અપાવી હતી. શરૂઆતમાં ગુજરાતનો કેપ્ટન સુનિલ કુમાર આઉટ થતા ટીમનો ઝટકો લાગ્યો હતો. બેંગલુરૂના રેડર્સે શાનદાર રીતે ગુજરાતના કેપ્ટન પર એટેક કર્યો હતો, પરંતુ સચિન પોઈન્ટ લઈને પોતાની ટીમને બચાવી રહ્યો હતો. ગુજરાતે મેચની 11મી મિનિટે ડિફેન્સમાં પોતાનો પ્રથમ પોઈન્ટ મેળવ્યો હતો, જે ચોંકાવનારૂ પ્રદર્શન હતું. પરંતુ રોહિત અને પવને મળીને ગુજરાતના ડિફેન્સને ચાલવા ન દીધું. પ્રથમ હાફ સમયે ગુજરાતે 14-13થી લીડ બનાવી હતી. પ્રથમ હાફમાં ગુજરાત માટે સચિને સૌથી વધુ પોઈન્ટ મેળવ્યા હતા. 


બીજા હાફની શરૂઆતમાં બુલ્સે વાપસીનો પ્રયાસ કર્યો અને એક સમયે સ્કોર બરોબરી પર આવી ગયો હતો. સચિને પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દેતા સુપર 10 પૂરા કર્યા હતા. મેચની 32મી મિનિટે બુલ્સને ઓલઆઉટ કરીને 5 પોઈન્ટની લીડ મેળવી લીધી હતી. ત્યારબાદ પવને શાનદાર તોફાની રેડ કરી હતી. મેચની 35મી મિનિટે પવને શાનદાર રેડ કરીને ગુજરાતનો ઓલઆઉટ કરી દીધું હતું. આ મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો. તેનાથી બુલ્સે 5 પોઈન્ટની લીડ મેળવી લીધી હતી. પવને પણ પોતાનો સુપર 10 પૂરા કર્યા હતા. અહીંથી બુલ્સના ડિફેન્ડરોએ પણ લય મેળવી અને ટીમને મહત્વપૂર્ણ પોઈન્ટ અપાવ્યા હતા. હાદીએ રેડ કરતા પોતાની ટીમની વાપસીનો પ્રયાસ કર્યો પરંતુ બુલ્સે ગુજરાતની આશા પર પાણી ફેરવી દીધું હતું. આ વચ્ચે રોહિત કુમારે હાઈ 5 પણ પૂરુ કર્યું હતું. બીજો હાફ પૂરો થવા આવ્યો તો ગુજરાતની ટીમ બીજી વખત ઓલઆઉટ થઈ ગઈ અને ટીમનો પરાજય થયો હતો. હવે ગુજરાતની ટીમ 3 જાન્યુઆરીએ બીજા ક્વોલિફાયરમાં રમશે.