અમદાવાદ: ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પહેલીવાર હરાજી વર્ષ 2014માં થઈ હતી. 10 લાખની બેઝ પ્રાઈઝવાળા હાર્દિક પંડ્યાને કોઈપણ ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યો ન હતો. આગામી વર્ષે એટલે 2015માં હાર્દિક પંડ્યાનું નસીબ ખૂલ્યું અને મુંબઈ ઈન્ડિયન્સે તેને 10 લાખની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો. ખેલાડીઓની આગામી હરાજી સુધી હાર્દિક પંડ્યા કેપ્ડ પ્લેયર થઈ ચૂક્યો હતો. હાર્દિક પંડ્યાએ 2015ની સીઝનમાં માત્ર 9 મેચ રમી અને પોતાની વિસ્ફોટક બેટિંગથી પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું. જેના કારણે 2016માં તેને ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કરવાની તક મળી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાર્દિકે સચિનને પાછળ છોડી દીધો: 
હાર્દિક પંડ્યા આજે ટીમ ઈન્ડિયાનો મહત્વનો ખેલાડી છે. અને શાનદાર પ્રદર્શનના કારણે તેની સેલરીમાં વધારો પણ થઈ રહ્યો છે. IPLમાં તેની સેલરીમાં દર વર્ષે 11 કરોડનો વધારો થઈ રહ્યો છે. 2018ની હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિકને રિટેન કર્યો હતો અને હવે 44.3 કરોડની સેલરી સાથે ટી-20 લીગમાં સૌથી વધારે કમાણી કરનાર ખેલાડીઓની યાદીમાં તે 33મા નંબરે પહોંચી ગયો છે. હાર્દિકે દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધા છે. 


સચિને 38.29 કરોડની કરી કમાણી: 
સચિન 2008માં આઈકોન પ્લેયર તરીકે મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં જોડાયા હતા. તેમણે પોતાની આઈપીએલની કારકિર્દીનો અંત 38.29 કરોડની સેલરી સાથે કર્યો. પંડ્યા ગયા વર્ષે સચિનની નજીક હતો. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સે જ્યારે 2021 માટે તેને રિટેન કર્યો તો તેણે સચિનને પાછળ છોડી દીધા. 


કૃણાલ પંડ્યા 2 કરોડમાં મુંબઈમાં જોડાયો: 
હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં 10 લાખ રૂપિયામાં જોડાયો હતો. 2016 અને 2017માં પણ તેની આ જ રકમ હતી. પરંતુ 2018માં હાર્દિકે મોટી છલાંગ લગાવી. અને તેની સેલરી 11 કરોડ થઈ ગઈ. હાર્દિક જ નહીં તેના ભાઈ કૃણાલે પણ તેંડુલકરને પાછળ છોડી દીધો છે. કૃણાલને મુંબઈ ઈન્ડિયન્સે 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 2016 અને 2017માં પણ તેને આટલી જ કમાણી કરી હતી. 


અનકેપ્ડ પ્લેયરની સૌથી વધારે રકમ: 
2018ની હરાજીમાં RCBએ કૃણાલને 8.8 કરોડમાં ખરીદ્યો. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સે રાઈટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરીને કૃણાલને રિટેન કરી લીધો. કૃણાલ ત્યાં સુધી અનકેપ્ડ પ્લેયર હતો. અને આજે કોઈપણ અનકેપ્ડ પ્લેયર માટે આ સૌથી વધારે રકમ છે. કુલ મળીને કૃણાલે અત્યાર સુધી 39.2 કરોડ સેલરી લીધી છે. જે સચિન તેંડુલકર કરતાં વધારે છે. 


સચિને 2013માં નિવૃતિ લીધી: 
સચિન તેંડુલકરે 2008થી 2010 સુધી 4.48 કરોડ સેલરી લીધી. 2011માં બીસીસીઆઈએ ફર્સ્ટ ચોઈસ રિટેન પ્લેયરની રકમ વધારીને 8.28 કરોડ રૂપિયા કરી દીધી. અને 2013 સુધી સચિન તેંડુલકરે તેટલી જ કમાણી કરી. વર્ષ 2013માં તેમણે આઈપીએલમાંથી નિવૃતિ લીધી. અને તે જ વર્ષે મુંબઈ ઈન્ડિયન્સ માટે ચેમ્પિયન્સ લીગમાં રમ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube