Ind vs Aus: ઓવલની પિચ પર બીજી ઈનિંગમાં બેટિંગ મુશ્કેલ, ટોસની ભૂમિકા મહત્વની
ટીમ ઈન્ડિયા આજે લંડનના ધ ઓવલ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયાની સામે ઉતરશે. આ મેદાન પર બીજી બેટિંગ કરવી મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે. તેવામાં મેચમાં ટોસની ભૂમિલા મહત્વની રહેશે.
લંડનઃ લંડનના ધ ઓવલ ગ્રાઉન્ડ પર આજે ભારતીય ટીમ 5 વખતની વિશ્વ કપ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. માનવામાં આવી રહ્યું છે કે અહીં હવામાન ક્રિકેટ માટે અનુકૂળ રહેશે, પરંતુ બપોરે છુટો-છવાયો વરસાદ થઈ શકે છે. વિશ્વ કપ-2019માં અત્યાર સુધી ઓવલના મેદાન પર રમાયેલી મેચોમાં બીજી ઈનિંગમાં બેટિંગ કરવી આસાન રહી નથી, આ કારણે ટોસનું મહત્વ ઘણું વધી જશે. લાંબી સ્ક્વાયર બાઉન્ડ્રીને કારણે સ્પિન બોલરોની ભૂમિકા મહત્વની રહેશે.
આ મેદાન પર વિશ્વકપ-2019ની કુલ પાંચ મેચ રમાવાની છે. જેમાંથી ત્રણ મેચ રમાઇ ચુકી છે. બે મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી છે. અહીં વિશ્વકપનો ઉદ્ઘાટન મુકાબલો યજમાન ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયો હતો. આ મેચમાં આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 311/8 (50) બનાવ્યા હતા. જવાબમાં આફ્રિકાની ટીમ 207/10 (39.5)માં સમેટાઇ ગઈ હતી.
વિશ્વકપ 2019: વિશ્વકપના 'મહામુકાબલા'માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર, થશે રણનીતિની પરીક્ષા
તો આ મેદાન પર બીજો મુકાબલો આફ્રિકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાયો હતો. આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચમાં બાંગ્લાદેશે 330/6 (50) વિશાળ સ્કોર કર્યો હતો, જ્યારે આફ્રિકન ટીમ 309/8 (50) બનાવી શકી હતી.
ત્રીજી મેચમાં બાંગ્લાદેશની સામે ન્યૂઝીલેન્ડ હતું. આ મેચ ખૂબ રોમાંચક રહ્યો હતો. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચમાં પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 244 (49.2) બનાવ્યા હતા, પરંતુ આ લક્ષ્યનો પીછો કરતા ન્યૂઝીલેન્ડને ખુબ મુશ્કેલી પડી હતી. પરંતુ ન્યૂઝીલેન્ડની ટીમ આ મેચ 2 વિકેટથી જીતવામાં સફળ રહી હતી.
આ મેદાન પર ભારતે 15 મેચ રમી છે, જેમાંથી તેને 5માં જીત અને 9માં હારનો સામનો કરવો પડ્યો હતો. એક મેચનું પરિણામ આવી શક્યું નથી. વિશ્વકપમાં બંન્ને ટીમ 11 વખત આમને-સામને આવી ચુકી છે. જેમાં ઓસ્ટ્રેલિયાનો હાથ ઉપર રહ્યો છે. કાંગારૂ ટીમે ભારતને 8 વખત પરાજય આપ્યો છે. જ્યારે ભારતને ત્રણ વખત સફળતા મળી હતી.