સેન્ચુરિયનઃ બાંગ્લાદેશે સેન્ચુરિયનમાં રમાયેલી ત્રણ મેચોની વનડે સિરીઝના અંતિમ અને નિર્ણાયક મુકાબલામાં યજમાન દક્ષિણ આફ્રિકાને 141 બોલ બાકી રહેતા 9 વિકેટે કારમો પરાજય આપ્યો છે. આ જીતની સાથે બાંગ્લાદેશે ઈતિહાસ રચી દીધો છે. દક્ષિણ આફ્રિકાની ધરતી પર બાંગ્લાદેશ પ્રથમવાર વનડે સિરીઝ જીતવામાં સફળ થયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાંગ્લાદેશે પ્રથમ બોલિંગ કરતા તસ્કીન અહમદની પાંચ વિકેટની મદદથી આફ્રિકાને 37 ઓવરમાં 154 રન બનાવી ઓલઆઉટ કરી દીધુ અને પછી 26.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો. ટીમ માટે કેપ્ટન તમીમ ઇકબાલે અણનમ 87 રન અને લિટનદાસે 48 રન બનાવ્યા હતા. તમીમે પોતાના કરિયરની 52મી અડધી સદી ફટકારી હતી. તેણે 82 બોલમાં 14 ચોગ્ગા ફટકાર્યા હતા. તો દાસે 57 બોલમાં આઠ બાઉન્ડ્રી ફટકારી હતી. શાકિબ અલ-હસન 20 બોલમાં બે ચોગ્ગાની મદદથી 18 રન બનાવી અણનમ રહ્યો હતો. 


આ પહેલાં જાન્યુઆરીમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કર્યો હતો, જ્યાં વનડે સિરીઝમાં ટીમે 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ બાંગ્લાદેશે આફ્રિકાને ત્રણ મેચોની વનડે સિરીઝમાં 2-1થી હરાવી ઐતિહાસિક જીત મેળવી છે. 


આ પણ વાંચોઃ ICC Test Rankings: જાડેજા ફરી બન્યો નંબર-1 ઓલરાઉન્ડર, રોહિતને થયું નુકસાન  


આ પહેલાં તસ્કીન અહમદની ઘાતક બોલિંગની મદદથી બાંગ્લાદેશે આફ્રિકાને 154 રન પર આઉટ કરી દીધુ હતું. તસ્કીને 9 ઓવરમાં 35 રન આપી સર્વાધિક 5 વિકેટ ઝડપી હતી. તેના આ પ્રદર્શન માટે આફ્રિકા વિરુદ્ધ ઐતિહાસિક સિરીઝ જીતમાં શાનદાર યોગદાન આપવા માટે તસ્કીનને મેન ઓફ ધ મેચની સાથે પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 


દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી હતી. ક્વિંટન અને જાનેમન વચ્ચે પ્રથમ વિકેટ માટે 46 રનની ભાગીદારી થઈ હતી. પરંતુ ત્યારબાદ વિકેટ પડવાનો સિલસિલો શરૂ થયો અને 100 રનની અંદર ટીમે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. જાનેમન મલાને સર્વાધિક 39 રન બનાવ્યા હતા. પોતાની ઈનિંગમાં તેણે 56 બોલનો સામનો કરતા સાત ચોગ્ગા ફટકાર્યા હતા. 


આ પણ વાંચોઃ IPL 2022: રિષભ પંતની આગેવાનીમાં ધૂમ મચાવવા તૈયાર દિલ્હી કેપિટલ્સ, મજબૂત લાગી રહી છે ટીમ


ડિ કોક 8 બોલમાં 12 રન બનાવી આઉટ થયો હતો. વેરેને 16 બોલમાં 9 રન બનાવ્યા હતા. તેને તસ્કીને બોલ્ડ કર્યો. વેન ડર 4 રન બનાવી આઉટ થયો હતો. આફ્રિકાના પાંચ બેટર બે આંકડાના સ્કોર સુધી પણ પહોંચી શક્યા નહીં. ડેવિડ મિલરે 16 રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં કેશવ મહારાજે 28 રન બનાવી ટીમનો સ્કોર 150ને પાર પહોંચાડ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube