ટોક્યોઃ ભારતની ગોલ્ડ મેડલની આશાને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ ટોક્યો ઓલિમ્પિકની સેમિફાઇનલમાં વિશ્વની નંબર-2 ખેલાડી ચીની તાઇપેની  તાઇ ઝૂ યિંગ સામે હારી ગઈ છે. રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ ભારતની પીવી સિંધુનું ગોલ્ડ મેડલ જીતવાનું સપનું રોળાયુ છે. પ્રથમ ગેમમાં તાઈ ઝૂ યિંગે 21-18 અને બીજી ગેમમાં 21-12થી જીત મેળવી હતી. હવે પીવી સિંધુ આવતીકાલે બ્રોન્ઝ મેડલ મેચમાં ચીનની ચેન યૂફેઈ સામે ટકરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હજુ બ્રોન્ઝ મેડલ જીતવાની તક
પીવી સિંધુ ભલે સેમિફાઇનલમાં હારી ગઈ હોય પરંતુ તેની સફર હજુ સમાપ્ત થઈ નથી. સિંધુ પાસે બ્રોન્ઝ મેડલ જીતવાની તક છે. સિંધુનો સામનો આવતી કાલે બ્રોન્ઝ મેડલની મેચમાં ચીનની ખેલાડી ચેન યૂફેઈ સામે થવાનો છે. 


બીજી ગેમમાં સિંધુ પાછળ રહી
વિશ્વની નંબર ટૂ બેડમિન્ટન ખેલાડી ચીની તાઈપેની તાઇ ઝૂ યિંગે બીજી ગેમમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું. તેણે આક્રમક રમત દ્વારા લીડ બનાવી લીધી અને સિંધુને વાપસી કરવાની તક આપી નહીં. અંતે ચીની તાઇપેની ખેલાડીએ 21-12થી જીત મેળવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 


રોમાંચક ગેમમાં હારી સિંધુ
પ્રથમ ગેમમાં બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. તાઇ ઝૂ યિંગે શાનદાર વાપસી કરી હતી. તેણે પ્રથમ ગેમ 21-18થી પોતાના નામે કરી લીધી હતી. 


આવો હતો પાછલો રેકોર્ડ
સિંધુ અને તાઈ ઝૂ યિંગ એકબીજા સામે 18 વખત ટકરાયા હતા. આ પહેલા સિંધુ અને તાઈ ઝૂ યિંગનો આમનો-સામનો રિયો ઓલિમ્પિકના રાઉન્ડ ઓફ-16 માં થયો હતો, જ્યાં સિંધુએ બાજી મારી હતી. અત્યાર સુધી સિંધુ તાઈ સામે માત્ર 5 વખત જીતી છે, જ્યારે 13 વખત પરાજયનો સામનો કરવો પડ્યો છે. 


તાઈ ઝૂ યિંગે બીજા ક્વાર્ટર ફાઇનલમાં થાઈલેન્ડની રતચાનોક ઇંતાનોનને 14-21, 21-18, 21-18 થી પરાજય આપી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં જાપાનની યામાગુચીને 21-13 અને 22-20થી પરાજય આપી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube