Tokyo Olympics: ભારતનું ટોક્યોમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન, કુલ 7 મેડલ મળ્યા, આ એથ્લીટોએ કર્યા નિરાશ, ઓલિમ્પિકમાં ભારતના પ્રદર્શન પર એક નજર
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની સફર 7 મેડલ સાથે સમાપ્ત થઈ ગઈ છે. નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચી દીધો તો દેશને કુલ 7 મેડલ મળ્યા છે. ઓલિમ્પિક ગેમ્સમાં ભારતને સફળતાની સાથે કેટલીક નિષ્ફળતા પણ હાથ લાગી છે. કેવું રહ્યું ટોક્યોમાં ભારતનું પ્રદર્શન વાંચો વિસ્તૃત અહેવાલ.
ટોક્યોઃ 'ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના અભિયાનના છેલ્લા દિવસે કરોડો ભારતીયોને ખુશી આપતા સમાચાર આવ્યા હતા. ભારતના સ્ટાર જૈવલીન થ્રોઅર નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ઓલિમ્પિકની ટ્રેક એન્ડ ફીલ્ડ ઇવેન્ટમાં મેડલ જીતનાર નીરજ ચોપડા પ્રથમ ભારતીય એથ્લીટ બની ગયો છે. આ સાથે ઓલિમ્પિકમાં આજે ભારતના રેસલર બજરંગ પૂનિયાએ દેશને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. તો ભારતની મહિલા ગોલ્ફર અદિતિ અશોકે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. અદિતિ ચોથા સ્થાને રહી છે. ભારતને ટોક્યો ઓલિમ્પિકમાં કુલ 7 મેડલ મળ્યા છે. જેમાં 1 ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ સાથે ભારતે 2012 લંડન ઓલિમ્પિકમાં જીતેલા 6 મેડલનો રેકોર્ડ પણ તોડી દીધો છે. નીરજના ગોલ્ડ મેડલ સાથે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના અભિયાનનું સમાપન થઈ ગયું છે.
ભારતે મોકલ્યું પોતાનું સૌથી મોટુ દળ
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની સફર પર નજર કરીએ તો સફળતા કરતા નિરાશા વધુ હાથ લાગી છે. ભારતે અત્યાર સુધીનું પોતાનું સૌથી મોટુ દળ ટોક્યો મોકલ્યું હતું. ભારતના કુલ 127 એથ્લીટો અલગ-અલગ 18 ઇવેન્ટમાં ભાગ લેવા માટે ટોક્યો પહોંચ્યા હતા, જેમાં 67 પુરૂષ અને 58 મહિલા એથ્લીટ સામેલ છે. ભારતને આ વખતે બોક્સિંગ, રેસલિંગ, શૂટિંગ, આર્ચરી અને ટેનિસ જેવી મેડલની આશા હતી. પરંતુ ભારતના અનેક સ્ટાર ખેલાડીઓ વિશ્વની સૌથી મોટી ગેમ્સમાં સારૂ પ્રદર્શન કરી શક્યા નહીં.
આ પણ વાંચોઃ Tokyo Olympics: 'ગોલ્ડન બોય' નીરજ ચોપડા પર ઇનામોનો વરસાદ! કરોડો રૂપિયા સહિત મળશે આ લક્ઝરી કાર
હોકી ટીમે લોકોના દિલ જીત્યા
ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે સૌથી સારા કોઈ સમાચાર હોય તો તે મહિલા અને પુરૂષ હોકી ટીમોનું પ્રદર્શન રહ્યું છે. પુરૂષ હોકી ટીમે 41 વર્ષ બાદ દેશને મેડલ અપાવ્યો છે. ભારતીય પુરૂષ હોકી ટીમે જર્મનીને 5-4થી હરાવી બ્રોન્ઝ મેડલ કબજે કર્યો હતો. તો ભારતીય મહિલા હોકી ટીમ ઓલિમ્પિકના ઈતિહાસમાં પ્રથમવાર નોકઆઉટ રાઉન્ડમાં પહોંચવામાં સફળ રહી હતી.
આ ઇવેન્ટમાં હાથ લાગી નિરાશા
ભારતને શૂટિંગ ઇવેન્ટમાં સૌથી મોટી નિરાશા હાથ લાગી છે. ભારતે કુલ 15 શૂટરોને ટોક્યો મોકલ્યા હતા.પરંતુ દેશને એક મેડલ અપાવી શક્યા નહીં. રેસલિંગની વાત કરીએ તો ટોક્યોમાં યોજાયેલી રેસલિંગ ઇવેન્ટમાં ભારતના સાત રેસલરો પહોંચ્યા હતા. ભારતને રેસલિંગ ઇવેન્ટમાં માત્ર 2 મેડલ મળ્યો. રવિ કુમાર દહિયાએ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે તો બજરંગ પુનિયાએ બૅોન્ઝ અપાવી.
બોક્સરોએ અપાવ્યો માત્ર એક મેડલ
બોક્સિંગમાં મહિલા અને પુરૂષ સહિત ભારતના કુલ 9 બોક્ટરો રિંગમાં ઉતર્યા હતા. પરંતુ મેરી કોમ સહિતના બોક્સરો પાસે દેશને મેડલની આશા હતી, પરંતુ આ બોક્સરો પોતાની પ્રતિભા પ્રમાણે પ્રદર્શન કરી શક્યા નહીં. બોક્સિંગ ઇવેન્ટમાં માત્ર લવલીના મેડલ જીતવામાં સફળ રહી છે.
આર્ચરી ટીમ સારૂ પ્રદર્શન કરી શકી નહીં
ટોક્યો ઓલિમ્પિક પહેલા પેરિસમાં રમાચેલા આર્ચરી વિશ્વકપમાં ભારતની સ્ટાર આર્ચર દીપિકા કુમારીએ 3 ગોલ્ડ મેડલ કબજે કર્યા હતા. ટોક્યોમાં દીપિકા કુમારી વિશ્વની નંબર 1 આર્ચર બનીને ઉતરી હતી, પરંતુ તે એકપણ મેડલ અપાવી શકી નહીં. આ સિવાય તરૂણદીપ રાય, અતનુ દાસ અને પ્રવીણ જાધવ જેવા આર્ચરો પણ ટોક્યોમાં ભારતનું ખાતુ ખોલાવી શક્યા નહીં.
આ પણ વાંચોઃ Neeraj Chopra ને ખૂબ ભાવે છે પાણીપુરી, બ્રેડ આમલેટ તો ગમે ત્યારે આપો
ટોક્યોમાં ભારતે કરી નવી શરૂઆત
ભારત માટે ટોક્યોમાં મેડલ સિવાય પણ સારા સમાચાર આવ્યા છે. પ્રથમવાર ઓલિમ્પિકમાં ઘોડેસવારી અને તલવારબાજીમાં ભારતીય એથ્લીટોએ હાજરી પૂરાવી છે. ભવાની દેવી ઓલિમ્પિકની તલવારબાજી ઈવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર પ્રથમ વ્યક્તિ બન્યા છે. તો ફવાદ મિર્ઝા ઘોડેસવારીમાં જોવા મળ્યા હતા. આ સિવાય ગોલ્ફ જેવી ઇવેન્ટમાં પણ ભારતીય મહિલા ગોલ્ફર અદિતિ અશોકે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સિવાય ભારતે રોવિંગ અને સેલિંગ જેવી ઇવેન્ટમાં પણ પાર્ટિસિપેન્ટ કર્યું હતું.
ટેનિસ અને ટેબલ ટેનિસ ઇવેન્ટમાં પણ ભારત એકપણ મેડલ જીતી શક્યું નહીં. તો લૉન ટેનિસમાં અંકિતા રૈના અને સાનિયા મિર્ઝા ડબલ્સમાં અને સુમીત નાગલ મેન્સ સિગંલ્સ ઇવેન્ટમાં જોવા મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube