Tokyo Olympics: હોકીમાં ભારતના નવા અધ્યાયની શરૂઆત, 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં જીત્યો મેડલ
મનદીપ સિંહની આગેવાનીમાં ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં જર્મનીને હરાવી બ્રોન્ઝ મેડલ કબજે કરી લીધો છે. ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા મેડલ પર કબજો કર્યો છે.
ટોક્યોઃ ટોક્યોમાં ભારતના હોકી ઈતિહાસમાં નવા અધ્યાયની શરૂઆત થઈ છે. ભારતીય ટીમે જર્મનીને 5-4 હરાવી બ્રોન્ઝ મેડલ કબજે કરી લીધો છે. ભારતે આ મેચમાં થી વિજય મેળવ્યો છે. આ જીત સાથે ભારતીય ટીમ 1980 બાદ ઓલિમ્પિકમાં મેડલ જીતવામાં સફળ રહી છે. છેલ્લે 1980ના ઓલિમ્પિકમાં ભારતે ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો.
હોકીમાં ભારતના નવા અધ્યાયની શરૂઆત
હોકીમાં ભારતનો ભૂતકાળ શાનદાર રહ્યો છે. ભારત ઓલિમ્પિકમાં અત્યાર સુધી 8 ગોલ્ડ મેડલ જીત્યું છે. આ સિવાય બે બ્રોન્ઝ અને એક સિલ્વર એમ હોકીમાં ભારતને કુલ 11 મેડલ મળેલા છે. પરંતુ 1980 બાદ ભારતનું પ્રદર્શન ખરાબ થતુ રહ્યું અને ટીમ 2008ની ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરી શકે નહીં. ત્યારબાદ ભારતનો આ બ્રોન્ઝ મેડલ ખુબ ખાસ છે. તેનાથી અનેક લોકોને પ્રેરણા મળશે અને હોકીમાં ભારતના નવા અધ્યાયની શરૂઆત થશે.
ચોથા ક્વાર્ટરમાં ભારતનું શાનદાર પ્રદર્શન
ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરતા જર્મનીને 5-4 અંતરથી હરાવી બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. ભારતને 41 વર્ષ બાદ આ મેડલ મળ્યો છે. તેની પહેલા વાસુદેવન ભાસ્કરનની આગેવાનીમાં 1980ના મોસ્કો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. ભારત માટે સિમરનજીત સિંહે બે, હરમનપ્રીત સિંહ, રૂપિંદર પાલ સિંહ અને હાર્દિક સિંહે એક-એક ગોલ કરી આ મેચમાં ટીમની જીતની મહત્વની ભૂમિકા ભજવી છે.
ત્રીજા ક્વાર્ટરમાં ભારતે લીડ મેળવી
ભારતીય ટીમે ત્રીજા ક્વાર્ટરમાં શાનદાર પ્રદર્શન જારી રાખતા શાનદાર વાપસી કરી હતી. ભારતે આ ક્વાર્ટરમાં બે ગોલ કરીને 5-3થી લીડ મેળવી લીધી હતી.
બીજા ક્વાર્ટરમાં ભારતે કરી હતી વાપસી
ટીમ ઈન્ડિયાએ મેચમાં ખરાબ શરૂઆત કરી પરંતુ બીજા ક્વાર્ટરમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરી હતી. ટીમ ઈન્ડિયાએ બીજા ક્વાર્ટરમાં સ્કોર 3-3થી બરોબર કરી લીધો હતો. આ ક્વાર્ટરમાં બંને ટીમો વચ્ચે કુલ પાંચ ગોલ કર્યા હતા.
1980 પછી ભારતે જીત્યો મેડલ
આખરે 1980 બાદ ભારતના કરોડો હોકી ચાહકો માટે મહત્વના સમાચાર મળ્યા છે. ભારતીય ટીમે 1980ના ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પરંતુ ત્યારબાદ ભારતીય હોકીનો તે ગોલ્ડન પીરિયર જતો રહ્યો... પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષમાં ભારતીય હોકી ટીમે ખુબ પ્રગતિ કરી છે. આજે 41 વર્ષ બાદ ભારતને હોકીમાં મેડલ મળ્યો છે. આ બ્રોન્ઝ મેડલ પણ ભારતીય હોકીના નવા અધ્યાય માટે ગોલ્ડ મેડલથી ઓછો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube