IPLના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર 5 બોલર, ત્રણ ભારતીય સ્પિનરોનો પણ છે દબદબો, જુઓ સંપૂર્ણ યાદી
IPLના ઈતિહાસમાં એવી અનેક મેચો છે, જ્યાં બોલરોએ માત્ર થોડીક જ મિનિટ અને બોલની અંદર મેચનું આખે આખું પરિણામ બદલી નાંખ્યું હોય.
નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જો બેટ્સમેનોનો જલવો જોવા મળે છે તો બોલરો પણ શાનદાર પ્રદર્શન કરવામાં કોઈ કસર છોડતા નથી. IPLના ઈતિહાસમાં એવી ઘણી મેચો બની છે, જ્યાં બોલરોએ માત્ર થોડા બોલની અંદર મેચનું પરિણામ બદલી નાંખ્યું હોય. આ આર્ટિકલમાં અમે તમને તે પાંચ બોલર્સ વિશે જણાવીશું જેમણે આ લીગમાં બેટ્સમેનોને હેરાન પરેશાન કરી દીધા છે.
IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર ટોપ 5 બોલર:
1. ડ્વેન બ્રાવો:
IPLમાં સૌથી વધુ વિકેટ ઝડપનારની યાદીમાં ડ્વેન બ્રાવોનું નામ ટોચ પર છે. ચેન્નાઈ સુપર કિંગ્સના આ સ્ટાર બોલરે IPLમાં રમાયેલી 161 મેચમાં 183 વિકેટ ઝડપી છે. આઈપીએલમાં બ્રાવોની ઈકોનોમી 8.38 રહી છે. બ્રાવોએ પોતાની બોલિંગના દમ પર CSKને ઘણી મેચોમાં યાદગાર જીત પણ અપાવી છે.
2. લસિથ મલિંગા:
યોર્કર કિંગ તરીકે પ્રખ્યાત લસિથ મલિંગા હવે ભલે IPLમાં તેની બોલિંગ કરતો જોવા નહીં મળે, પરંતુ આ લીગમાં સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીઓની યાદીમાં તેનું નામ હજુ પણ બીજા નંબરે છે. મલિંગાએ આ લીગમાં રમાયેલી 122 મેચોમાં કુલ 170 વિકેટ લીધી હતી. આઈપીએલમાં શ્રીલંકાના ફાસ્ટ બોલરની ઈકોનોમી પણ શાનદાર હતી અને તેણે 7.14ની ઈકોનોમીમાં રન આપ્યા હતા.
3. અમિત મિશ્રા:
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે અમિત મિશ્રા ત્રીજા નંબર પર છે. ભારતીય સ્પિનરે આ લીગમાં રમાયેલી 154 મેચોમાં કુલ 166 વિકેટ લીધી છે. આ અનુભવી બોલરે પોતાના બોલના આધારે આ લીગમાં ઘણી મેચો પલટી નાંખી છે. 166 વિકેટ લેવાની સાથે, અમિત IPLમાં પણ અત્યંત ખર્ચાળ રહ્યો છે. તેણે 7.36ની ઇકોનોમીમાં રન આપ્યા છે.
4. યુઝવેન્દ્ર ચહલ:
રાજસ્થાન રોયલ્સને ગત સિઝનમાં ફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર યુઝવેન્દ્ર ચહલ IPLમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ચોથા નંબર પર છે. ચહલે વિશ્વની સૌથી પ્રખ્યાત ટી20 લીગમાં અત્યાર સુધી રમાયેલી 131 મેચોમાં કુલ 166 વિકેટ લીધી છે. આ સાથે તેનો ઈકોનોમી રેટ 7.61નો રહ્યો છે.
5. પિયુષ ચાવલા:
IPLમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે ત્રીજા સ્પિનર તરીકે પિયુષ ચાવલાનું નામ નોંધાયેલું છે. પિયૂષે આ લીગમાં રમાયેલી 165 મેચોમાં 157 વિકેટ લીધી છે. પિયૂષની ગણતરી આ લીગના સૌથી અનુભવી સ્પિનરોમાં થાય છે અને તે જાણે છે કે કેવી રીતે બેટ્સમેનોને પોતાની જાળમાં ફસાવવા.