જયપુરઃ મહિલા ટી20 ચેલેન્જ (મહિલા આઈપીએલ)ના પ્રથમ મેચમાં સ્મૃતિ મંધાનાની આગેવાની વાળી  ટ્રેલબ્લેઝર્સે હરનમપ્રીત કૌરની સુપરનોવાસને 2 રને પરાજય આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ટ્રેલબ્લેઝર્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 140 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સુપરનોવાસ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 138 રન બનાવી શકી હતી. ટ્રેલબ્લેઝર્સ તરફથી કેપ્ટન સ્મૃતિ મંધાનાએ સૌથી વધુ 90 રન ફટકાર્યા હતા. સુપરનોવાજને અંતિમ ઓવરમાં 19 રનની જરૂર હતી. હરમનપ્રીત કૌરે ઝુલન ગોસ્વામીની ઓવરમાં પ્રથમ પાંચ બોલ પર 4 બાઉન્ડ્રી ફટકારી હતી. તેને અંતિમ બોલ પર 3 રનની જરૂર હતી. પરંતુ છેલ્લા બોલ પર તાહુહુ રન આઉટ થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રેલબ્લેઝર્સે આપેલા 141 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સુપરનોવાસે 6 રનના સ્કોર પર પ્રિયા પૂનિયા (1)ની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ચમિરા અટ્ટાપટ્ટુ (26) અને જેમિમા રોડ્રિગ્જ (24)એ બીજી વિકેટ માટે 49 રનની ભાગીદારી કરી હતી. અટ્ટાપટ્ટુએ 34 બોલમાં 2 બાઉન્ડ્રી ફટકારી હતી. જ્યારે રોડ્રિગ્જે 19 બોલમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. 


ત્યારબાદ નતાલી સ્વિચર (1) રન પર રાજેશ્વરી ગાયકવાડનો શિકાર બની હતી. ત્યારબાદ સુપરનોવાજની ટીમને વિજય અપાવવાની જવાબદારી કેપ્ટન હરમનપ્રીત કૌર અને શોફિન ડિવાઇન પર હતી. ચોથી વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી હતી. ડિવાઇને 22 બોલમાં 2 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 32 રન ફટકાર્યા હતા. તો હરમનપ્રીત કૌર 34 બોલમાં 8 બાઉન્ડ્રી ફટકારીને 46 રન બનાવી અણનમ રહ્યાં હતા. 


પ્રથમ બેટિંગ કરતા ટ્રેલબ્લેઝર્સની શરૂઆત ખરાબ રહી હતી. ન્યૂઝીલેન્ડની સુઝી બેટ્સ (1) રન બનાવી અનુજા પાટિલનો શિકાર બની હતી. ત્યારબાદ હરલીન દેઓલ (36) અને સ્મૃતિ મંધાના (90)એ બીજી વિકેટ માટે 119 રનની ભાગીદારી કરી હતી. હરલીન દેઓલે 44 બોલમાં 3 બાઉન્ડ્રી ફટકારી હતી.  મંધાનાએ 67 બોલનો સામનો કરતા 10 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. શેફાની ટેલર (2) અને દીપ્તિ શર્મા (0) રન બનાવી આઉટ થયા હતા. સુપરનોવાસ તરફથી અનુજા પાટિલે 12 રન આપીને 1 તથા રાધા યાદવે 28 રન આપીને બે વિકેટ ઝડપી હતી. તો સોફી ડિવાઇનને એક સફળતા મળી હતી.