નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હેટ્રિક ઝડપીને વિશ્વકપમાં ઈતિહાસ રચી દીધો છે. ટ્રેન્ટ બોલ્ટ ન્યૂઝીલેન્ડ તરફથી વિશ્વ કપમાં હેટ્રિક ઝડપનાર પ્રથમ બોલર બની ગયો છે. વિશ્વ કપ 2019ની 37મી મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટે લંડનના લોર્ડ્સના ઐતિહાસિલ મેદાન પર આ કમાલ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રેન્ટ બોલ્ટ પહેલા કોઈપણ ન્યૂઝીલેન્ડનો બોલર વિશ્વકપમાં આ કમાલ કરી શક્યો નથી. વિશ્વકપ 2019ની આ બીજી હેટ્રિક છે. આ પહેલા ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ અફઘાનિસ્તાન વિરુદ્ધ હેટ્રિક પૂરી કરી હતી. ટ્રેન્ટ બોલ્ટે આ મુકાબલામાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 10 ઓવરમાં 51 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. તેણે ત્રણ વિકેટ અંતિમ ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમાં બોલ પર મેળવી હતી. 



ટ્રેન્ટે બોલ્ડે ઈનિંગની 50મી ઓવરના ત્રીજા બોલ પર ઉસ્માન ખ્વાજાને બોલ્ડ કર્યો હતો. ત્યારબાદ મિશેલ સ્ટાર્કને પ્રથમ બોલ પર બોલ્ડ કરી દીધો હતો. ત્યારબાદ તેણે જેસન બેહરેનડોર્ફને LBW આઉટ કરીને પોતાની હેટ્રિક પૂરી કરી હતી. બેહરેનડોર્ફે રિવ્યૂ લીધું હતું પરંતુ અમ્પાયરનો નિર્ણય યોગ્ય રહ્યો અને ટ્રેન્ટ બોલ્ટની હેટ્રિક પૂરી થઈ હતી. 


આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરી 50 ઓવરમાં 9 વિકેટે 243 રન બનાવ્યા છે અને ન્યૂઝીલેન્ડને જીતવા માટે 244 રનનો ટાર્ગેટ આપ્યો છે.