U19 World Cup 2020: બોલરોનું શાનદાર પ્રદર્શન, કાંગારૂને કચડીને ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં
આઈસીસી અન્ડર-19 વિશ્વકપમાં ભારતનું વિજય અભિયાન જારી છે. આજે રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 74 રને પરાજય આપીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે અથર્વ અનકોલેકર અને કાર્તિક ત્યાગીના શાનદાર પ્રદર્શનની મદદથી અન્ડર-19 વિશ્વકપની સેમિફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ભારતે ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 9 વિકેટ પર 233 રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં કાંગારૂની ટીમ 159 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ ભારતીય ટીમે 74 રને વિજય મેળવ્યો હતો. ભારતીય ટીમ 9મી વખત અન્ડર-19 વિશ્વકપની સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે.
અનકોલેકરની દમદાર બેટિંગ
ભારતીય ટીમે 114 રનના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી હતી. સાતમાં નંબર પર બેટિંગ કરવા આવેલી અનકોલેકરે અણનમ અડધી સદી ફટકારીને ટીમને મુશ્કેલીમાંથી ઉગારી અને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. અથર્વએ 54 બોલ પર 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 55 રનની ઈનિંગ રમી હતી.
કાર્તિક ત્યાગીની શાનદાર બોલિંગ
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મોટો સ્કોર ન બનાવ્યો પરંતુ કાર્તિકે શરૂઆતમાં પોતાની બોલિંગથી મેચ ભારતના પક્ષમાં કરી દીધી હતી. કાર્તિકે પ્રથમ ઓવરમાં જ ઓસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ પાડી દીધી હતી. જેમાં એક બેટ્સમેન રનઆઉટ થયો હતો. ત્યારબાદ ત્રીજી ઓવરમાં કાર્તિકે વધુ એક બેટ્સમેનને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો.
પાછલા વખતે ટૂર્નામેન્ટની ફાઇનલમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી હતી. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતીય ટીમની આ નોકઆઉટ સ્ટેડમાં સતત બીજી દમદાર જીત છે. ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને સતત બીજીવાર તેના વિશ્વકપ જીતવાનું સપનું તોડી દીધું છે.
તમને ભાવુક કરી દેશે કોબી બ્રાયન્ટ અને તેમની પુત્રીની આ તસવીર
ભારત 9મી વખત પહોંચ્યું સેમિફાઇનલમાં
1988થી 2018 સુધી રમાઇ ચુકેલા અન્ડર 19 વિશ્વકપમાં ભારતીય ટીમે 8 વખત સેમિફાઇનલ મુકાબલો રમ્યો છે. સૌથી વધુ 4 ટૂર્નામેન્ટ જીતનારી ભારતીય ટીમે 9મી વખત સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. આ પહેલા ભારતે 2000, 2002, 2004, 2006, 2008, 2012, 2016 અને 2018માં પણ અંતિમ-4માં જગ્યા બનાવી હતી. તેમાં 2000, 2008, 2012 અને 2018માં ટીમ ઈન્ડિયાએ વિશ્વકપનું ટાઇટલ પોતાના નામે કર્યું હતું.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube