IPL 2022 Final: ગુજરાત ટાઈટન્સે કર્યો કમાલ, પ્રથમ સીઝનમાં જ રાજસ્થાનને 7 વિકેટે હરાવી જીતી ટ્રોફી
GT vs RR: ગુજરાત ટાઈટન્સની ટીમે પોતાના હોમ ગ્રાઉન્ડમાં 1 લાખથી વધુ દર્શકોની હાજરીમાં ઈતિહાસ રચી દીધો છે. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાતે પ્રથમ પ્રયાસમાં જ આઈપીએલની ટ્રોફી જીતી લીધી છે.
અમદાવાદઃ હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાત ટાઈટન્સે કમાલ કરતા આઈપીએલ-2022નું ટાઈટલ કબજે કરી લીધુ છે. આઈપીએલમાં પ્રથમ વખત રમી રહેલી ગુજરાત ટાઈટન્સે પોતાના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સને આઈપીએલ ફાઇનલમાં 7 વિકેટે પરાજય આપી ટ્રોફી પર કબજો કરી લીધો છે. ગુજરાતની જીતનો હીરો કેપ્ટન હાર્દિક પંડ્યા (34 રન, 3 વિકેટ) રહ્યો હતો. પ્રથમ બેટિંગ કરી રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં 9 વિકેટે 130 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતે 18.1 ઓવરમાં 3 વિકેટે 133 રન બનાવી ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી.
ગુજરાતની ખરાબ શરૂઆત
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સને બીજી ઓવરમાં ઝટકો લાગ્યો હતો. રિદ્ધિમાન સાહા 5 રન બનાવી પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો હતો. ત્યારબાદ મેથ્યૂ વેડ માત્ર 8 રન બનાવી બોલ્ટની ઓવરમાં કેચ આઉટ થયો હતો. ગુજરાતે 23 રનમાં બે વિકેટ ગુમાવી હતી. પાવરપ્લેમાં ગુજરાતનો સ્કોર 31 કન હતો.
હાર્દિક પંડ્યા અને ગિલ વચ્ચે અડધી સદીની ભાગીદારી
બે વિકેટ ગુમાવ્યા બાદ હાર્દિક પંડ્યા અને ગિલે ઈનિંગ સંભાળી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી. હાર્દિક પંડ્યા 30 બોલમાં 3 ફોર અને એક સિક્સ સાથે 34 રન બનાવી આઉટ થયો હતો.
હાર્દિક પંડ્યાની ત્રણ વિકેટ
ગુજરાત ટાઈટન્સ માટે ફાઈનલમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યુ હતું. હાર્દિક પંડ્યાએ પોતાની 4 ઓવરમાં 17 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. હાર્દિકે પોતાની ઓવરમાં જોસ બટલર, સંજૂ સેમસન અને શિમરોન હેટમાયરને આઉટ કર્યા હતા.
જોસ બટલરની ધીમી ઈનિંગ
આઈપીએલ-2022માં અનેક રેકોર્ડ બનાવનાર જોસ બટલર ફાઇનલમાં ધીમુ રમ્યો હતો. બટલર 35 બોલમાં 5 ચોગ્ગા સાથે માત્ર 39 રન બનાવી શક્યો હતો. પરંતુ બટલરે પોતાની 39 રનની ઈનિંગ દરમિયાન ડેવિડ વોર્નરનો રેકોર્ડ તોડ્યો હતો. બટલર આઈપીએલની એક સીઝનમાં સૌથી વધુ રન બનાવવા મામલે બીજા સ્થાને પહોંચી ગયો છે. આઈપીએલ-2022ની 17 ઈનિંગમાં બટલરે 863 રન ફટકાર્યા છે.
રાજસ્થાનના તમામ બેટર મોટી ઈનિંગ રમવામાં ફ્લોપ
ઓપનર યશસ્વી જાયસવાલે આક્રમક શરૂઆત કરી પરંતુ તે માત્ર 22 રન બનાવી યશ દયાલનો શિકાર બન્યો હતો. ત્યારબાદ સંજૂ સેમસન 14 રન બનાવી આઉટ થયો હતો. તો દેવદત પડિક્કલ 10 બોલમાં 2 રન બનાવી રાશિદનો શિકાર બન્યો હતો. આર અશ્વિને 6 રન બનાવ્યા હતા. રિયાન પરાગ 15 બોલમાં 15 રન બનાવી શમીનો શિકાર બન્યો હતો. ટ્રેન્ટ બોલ્ટ 11 રન બનાવી સાંઈ કિશોરનો શિકાર બન્યો હતો.
ગુજરાત તરફથી હાર્દિક પંડ્યા સૌથી સફળ બોલર રહ્યો હતો. પંડ્યાએ 4 ઓવરમાં 17 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય સાંઈ કિશોરેએ 4 ઓવરમાં 20 રન આપી બે સફળતા મેળવી હતી. યશ દયાલ, શમી અને રાશિદને એક-એક વિકેટ મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube