અમેરિકી ઓપનઃ સેરેનાએ મોટી બહેન વિનસને ફરી આપ્યો પરાજય
વર્ષના ચોથા અને અંતિમ ગ્રાન્ડ સ્લેમ અમેરિકી ઓપનના ત્રીજા રાઉન્ડમાં 36 વર્ષની સેરેના વિપલિયમ્સે પોતાની મોટી બહેન વિનસનો સામનો કર્યો અને સરળતાથી આગામી રાઉન્ડમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે.
ન્યૂયોર્કઃ અમેરિકી ટેનિસ દિગ્ગજ સેરેના વિલિયમ્સે વર્ષના ચોથા અને અંતિમ ગ્રાન્ડસ્લેમમાં પોતાના અભિયાનને એક ડગલું આગળ વધાર્યું છે. તેણે ત્રીજા રાઉન્ડમાં પોતાની મોટી બહેન વિનસને પરાજય આપ્યો છે.
23 ગ્રાન્ડસ્લેમ વિજેતા સેરેનાએ 38 વર્ષની વિનસને 71 મિનિટ સુધી ચાલેલા મેચમાં 6-1, 6-2થી આસાન પરાજય આપ્યો હતો. આગામી રાઉન્ડ (રાઉન્ડ ઓફ 16)માં સેરેનાનો સામનો ઇસ્ટોનિયાની કેયા કનેપી સામે થશે. કનેપીએ પ્રથમ રાઉન્ડમાં રોમાનિયાની સિમોના હાલેપને પરાજય આપીને અહીં સુધીની સફર કરી છે.
અમેરિકી ઓપનની વેબસાઇટ પર સેરેનાના હવાલાથી લખ્યું છે, મેં જ્યારથી વાપસી કરી છે ત્યારથી આ મારો સર્વશ્રેષ્ઠ મેચ છે. મેં છેલ્લા ત્રણ-ચાર મહિનામાં ખુબ મહેનત કરી છે.
સેરેના પોતાના 24માં ગ્રાન્ડસ્લેમ ટાઇટલની દોડમાં છે. જો તે આમ કરશે તો ઓસ્ટ્રેલિયાની માર્ગરેટ કોર્ટના રેકોર્ડની બરોબરી કરી લેશે.
આ 1998ના ઓસ્ટ્રેલિયન ઓપન બાદ પ્રથમ અવસર હતો જ્યારે બંન્ને બહેનો કોઈપણ ગ્રાન્ડસ્લેમ ટૂર્નામેન્ટમાં આમને-સામને થઈ છે. સંયોગથી 1998માં તે પ્રથમવાર એકબીજા સામે રમી હતી. યૂએસ ઓપનમાં બંન્નેએ છઠ્ઠીવાર એકબીજાનો સામનો કર્યો, જેમાં સેરેનાએ ચોથી વખત જીત મેળવી છે.
આ પહેલા આ બંન્ને બહેનો વચ્ચે 2017 ઓસ્ટ્રેલિયન ઓપનના ફાઇનલમાં મુકાબલો થયો હતો.