સિડનીઃ પૂર્વ ઓલિમ્પિક દોડવીર જમૈકાના ઉસેન બોલ્ટે તેના વ્યવસાયિક ફૂટબોલ કરિયરની શાનદાર શરૂઆત કરતાં શુક્રવારે પોતાની પદાર્પણ મેચમાં જ બે ગોલ ફટકારી દીધા હતા. બોલ્ટે અહીં મેકાર્થર સાઉથ વેસ્ટ યુનાઈટેડ સામેની એક ફ્રેન્ડલી મેચમાં સેન્ટ્રલ કોસ્ટ મેરિનર્સ તરફથી રમતાં બીજા હાફમાં બે ગોલ કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેણે મેચની 57મી અને 68મી મિનિટમાં ગોલ કર્યા હતા. 8 વખતના ઓલિમ્પિક ચેમ્પિયન ઉસેન બોલ્ટના શાનદાર બે ગોલની મદદથી સેન્ટ્રલ કોસ્ટ મેરિનર્સે મેકાર્થર વેસ્ટ યુનાઈટેડને એકપક્ષીય ધોરણે 4-0થી હરાવી હતી. બોલ્ટ ઉપરાંત રોસ મેકોરમેકે 7મી અને જોર્ડન મરેએ 42મી મિનિટમાં ગોલ કર્યા હતા. 



જમૈકાના બોલ્ટે ઓગસ્ટ મહિનામાં 72મી મિનિટમાં સબસ્ટીટ્યુટ તરીકે સેન્ટ્રલ કોસ્ટ મેરિનર્સ માટે પદાર્પણ કર્યું હતું. જોકે, આ વખતે તે એક ફોરવર્ડ તરીકે મેદાનમાં ઉતર્યો હતો. 


બોલ્ટ ઓગસ્ટમાં એ-લીગ ક્લબ સેન્ટ્રલ મેરિનર્સ સાથે જોડાયા હતા. આ અગાઉ તેણે જર્મનીની ક્લબ બોરસિયા ડોર્ટમંડ, દક્ષિણ આફ્રિકાની ક્લબ સનડાઉન્સ અને નોર્વેની ક્લબ સ્ટ્રામસ્ગોડસેટ સાથે જોડાઈને ફૂટબોલની ટ્રેનિંગ લીધી હતી. ઉસેન બોલ્ટે એથલેટિક્સમાંથી સન્યાસ લીધા બાદ આ ક્લબો સાથે ફૂટબોલની પ્રેક્ટિસ કરી હતી. 


ફૂટબોલ પ્રેમી છે બોલ્ટ
બોલ્ટ એક ફૂટબોલ પ્રેમી છે. તે ઘણા સમયથી ફૂટબોલ રમવા માગતો હતો. તેણે એથલેટિક્સમાંથી નિવૃત્તિ લીધા બાદ ફૂટબોલમાં આગળની કારકિર્દી બનાવવાની જાહેરાત કરી હતી. આ માટે તે છેલ્લા ઘણા સમયથી વિવિધ ફૂટબોલ ક્લબ સાથે જોડાઈને ફૂટબોલની રમતની ટેક્નીક શીખી રહ્યો હતો.