વડોદરાઃ ભારતના મિસ્ટ્રી સ્પિનર વરૂણ ચક્રવર્તીએ વિજય હઝારે ટ્રોફીમાં 5 વિકેટ લઈને ધમાલ મચાવી દીધી છે. વડોદરાના કોટામ્બી સ્ટેડિયમમાં પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં વરૂણ ચક્રવર્તીએ રાજસ્થાનના બેટરોની કરમ તોડી હતી. તમિલનાડુ માટે શાનદાર પ્રદર્શન કરતા વરૂણ ચક્રવર્તીએ 9 ઓવરમાં 52 રન આપી પાંચ વિકેટ લીધી હતી. વરૂણ ચક્રવર્તીના શાનદાર પ્રદર્શનની મદદથી રાજસ્થાનની ઈનિંગ 267 રનમાં સમેટાઈ ગઈ હતી. તમિલનાડુના કેપ્ટન આર સાઈ કિશોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડ સિરીઝ પહેલા શાનદાર ફોર્મમાં આ ભારતીય બોલર
વરૂણ ચક્રવર્તીએ પોતાના શાનદાર પ્રદર્શનની મદદથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ વનડે અને ટી20 સિરીઝ માટે પોતાનો દાવો મજબૂત કર્યો છે. ભારતના પ્રવાસે ઈંગ્લેન્ડની ટીમ આવી રહી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટી20 સિરીઝની શરૂઆત 22 જાન્યુઆરીથી થશે. બંને દેશો વચ્ચે ટી20 બાદ ત્રણ મેચની વનડે સિરીઝ પણ રમાશે. વરૂણ ચક્રવર્તી ઈંગ્લેન્ડ સામે ધૂમ મચાવી શકે છે.



ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ થઈ શકે છે પસંદગી
લેગ સ્પિનર વરૂણ ચક્રવર્તીને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં પણ સામેલ કરવામાં આવી શકે છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રમાશે. તેને એક રીતે મિની વર્લ્ડ કપ કહેવામાં આવે છે. ભારત ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાના અભિયાનની શરૂઆત 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમીને કરશે. તો 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે અને 2 માર્ચે ટીમ ઈન્ડિયાની ટક્કર ન્યૂઝીલેન્ડ સામે થશે.


7 પ્રકારનો બોલ ફેંકી શકે છે વરૂણ ચક્રવર્તી
વરૂણ ચક્રવર્તી દાવો કરી ચૂક્યો છે કે તે સાત પ્રકારથી બોલ ફેંકી શકે છે. તેમાં ઓફબ્રેક, લેગબ્રેક, ગુગલી, કેરમ બોલ, ફ્લિપર, ટોપસ્પિન, પગની આંગળીઓ પર યોર્કર સામેલ છે. ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં અત્યાર સુધી વરૂણ ચક્રવર્તીએ 13 મેચમાં 19 વિકેટ લીધી છે. તો આઈપીએલમાં તેના નામે 83 વિકેટ છે. વરૂણ ચક્રવર્તીને ભારતીય ક્રિકેટમાં મિસ્ટ્રી સ્પિનર તરીકે ઓળખ મળી છે.