વિજય હજારે ટ્રોફીઃ દિલ્હી, મુંબઈ, ઝારખંડ અને હૈદરાબાદ સેમીફાઇનલમાં પહોંચ્યા
17 ઓક્ટોબરથી મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ અને ઝારખંડ વચ્ચે સેમીફાઇનલનો જંગ શરૂ થશે.
બેંગલુરૂઃ કેપ્ટન હનુમા વિહારીને 95 રનની ઈનિંગ આંધ્ર પ્રદેશને જીત ન અપાવી શકી અને હૈદરબાદે તેને સોમવારે 14 રનથી હરાવીને વિજય હજારે ટ્રોફીના સેમીફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જસ્ટ ક્રિકેટ એકેડમી મેદાન પર રમાયેલા ક્વાર્ટર ફાઇનલમાં મેચમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા બવાંકા સંદીપ (96)ની ઈનિંગની મદદથી 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 281 રન બનાવ્યા હતા. આંધ્ર પ્રદેશની ટીમ 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 267 રન બનાવી શકી હતી.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આંધ્ર ટીમને સારૂ શરૂઆત મળી. 33ના કુલ સ્કોર પર શ્રીકર ભરત (12)ને મોહમ્મદ સિરાજને આઉટ કરીને આંધ્રને પ્રથમ ઝટકો આવ્યો. ત્યારબાદ વિહારી મેદાનમાં આવ્યો અને બાકી બેટ્સમેનો સાથે મળીને સ્કોરબોર્ડ આગળ વધાર્યું. તે સદીથી પાંચ રન દૂર હતો ત્યારે સિરાજને તેને બોલ્ડ કર્યો હતો. તેણે 99 બોલમાં આઠ ફોર અને ચાર સિક્સ ફટકારી હતી. વિહારી આઉટ થયા બાદ આંધ્રે અશ્વિન હેબર (38), રિકી ભુઈ (52)ની વિકેટ ગુમાવી દીધી હતી.
વિહારી આઉટ થયા બાદ આંધ્રએ નિયમિત અંતરે વિકેટ ગુમાવી અને જીતથી દૂર રહી હતી. હૈદરાબાદ તરફથી તન્મય અગ્રવાલે 31, કેપ્ટન રાયડૂએ 28, કોલી સુમંથે 27 રનનું યોગદાન આપ્યું હતું.
વરસાદનો સાથ, ઝારખંડ સેમીમાં
વરસાદના વિઘ્ન વચ્ચે રમાયેલા ક્વાર્ટર ફાઇનલમાં ઝારખંડની ટીમે મહારાષ્ટ્રને આઠ વિકેટે હરાવીને સેમીમાં સ્થાન મેળવી લીધું છે. ચિન્ના સ્વામી સ્ટેડિયમમાં રમાયેલા ક્વાર્ટર ફાઇનલ મેચમાં વરસાદ બાદ વીજેડી પ્રણાલીના માધ્યમથી ઝારખંડે મહારાષ્ટ્રને આઠ વિકેટે હરાવ્યું હતું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મહારાષ્ટ્રની ટીમ 42.2 ઓવરમાં 181 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. વરસાદ આવવાને કારણે ઝારખંડને 47 ઓવરમાં 174 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
બીજીવખત વરસાદ આવવાને કારણે ઝારખંડને 34 ઓવરમાં 127 રનનો ટાર્ગેટ મળ્યો. જેને ટીમે 32.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને હાસિલ કરી લીધો હતો. રોહિત મોટવાનીના 52 રનની મદદથી મહારાષ્ટ્રએ 181 રન બનાવ્યા હતા. તેમાં કેપ્ટન રાહુલ ત્રિપાઠીએ 47 રનનું યોગદાન આપ્યું હતું. ઝારખંડ તરફથી અનુકૂળ રોયે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.
ગંભીરની સદીની મદદથી દિલ્હી સેમીમાં
કુલવંત ખેજરોલિયા (31/6) બાદ કેપ્ટન ગૌતમ ગંભીર (104)ની શાનદાર સદીની મદદથી રવિવારે દિલ્હીએ હરિયાણાને પાંચ વિકેટે હરાવીને સેમીમાં પ્રવેશ કરી લીધો હતો. હરિયાણાએ પ્રથમ બેટિંગ કરતા 229 રન બનાવ્યા હતા. ત્યારબાદ કેપ્ટન ગંભીરની સદી અને ધ્રુવ શૌરીની અર્ધસદીની મદદથી દિલ્હીનો પાંચ વિકેટે વિજય થયો હતો.
મુંબઈએ બિહારને હરાવ્યું
મધ્યમ ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેની ધાતક બોલિંગની મદદથી મુંબઈએ રવિવારે અહીં બિહારને નવ વિકેટે હરાવીને વિજય હજારે એકદિવસીય ટ્રોફીની સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. લાંબા સમય બાદ રાષ્ટ્રીય સ્તર પર વાપસી કરનાર બિહારની ટીમ પ્રથમવાર કોઈ મોટી ટીમનો સામનો કરી રહી હતી જેમાં તે નિષ્ફળ રહી. બિહારની ટીમ ક્વાર્ટર ફાઇનલમાં મુંબઈના મજબૂત આક્રમણ સામે 28.2 ઓવરમાં 69 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. દેશપાંડેએ 23 રન આપીને પાંચ અને સ્પિનર શમ્સ મુલાનીએ 18 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ વનડે શ્રેણી પહેલા મેચ પ્રેક્ટિસ માટે ટૂર્નામેન્ટમાં રમી રહેલા રોહિત શર્માને ક્રીઝ પર વધુ સમય પસાર કરવા ન મળ્યો કારણ કે મુંબઈએ 12.1 ઓવરમાં એક વિકેટ પર 71 રન બનાવીને 225 બોલ બાકી રહેતા જીત મેળવી લીધી હતી.