બેંગલુરૂઃ યુવા પૃથ્વી શો અને કેપ્ટન શ્રેયસ અય્યરની અડધી સદીની મદદથી મુંબઈએ બુધવારે અહીં વરસાદથી પ્રભાવિત મેચમાં હૈદરાબાદને વીજેડી પદ્ધતિથી 60 રને હરાવીને વિજય હજારે ટ્રોફી વનડે ક્રિકેટ ટૂર્નામેન્ટના ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. મુંબઈની સામે 247 રનનો લક્ષ્ય હતો, પરંતુ જ્યારે તેણે 25 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા ત્યારે વરસાદ આવ્યો અને મેચ રોકવી પડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીજેડી પદ્ધતિથી ત્યારે જીત માટે મુંબઈનો સ્કોર બે વિકેટ પર 96 રન હોવાની જરૂર હતી. આ પહેલા હૈદરાબાદે રોહિત રાયડૂના અણનમ 121 રનની મદદથી 8 વિકેટે 246 રન બનાવ્યા હતા. રોહિત રાયડૂ સિવાય હૈદરાબાદના તમામ બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. ત્યારબાદ બીજો સર્વશ્રેષ્ઠ સ્કોર 29 રન હતો જે બીપી સંદીપે બનાવ્યો હતો. 


અંબાતી રાયડૂના પિતરાઈ ભાઈ રોહિત રાયડૂએ પોતાની 132 બોલની ઈનિંગમાં 8 ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન અંબાતી રાયડૂ માત્ર 11 રન બનાવી આઉટ થયો હતો. મુંબઈ તરફથી તુષાર દેશપાંડેએ 55 રન આપીને બે તથા રોયસ્ટન ડિયાસે 43 રન આપીને બે વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પોતાના ટેસ્ટ કેરિયરનો શાનદાર પ્રારંભ કરનાર શોએ 44 બોલમાં 8 ફોર અને બે સિક્સની મદદથી 61 રન બનાવીને મુંબઈને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. 


સ્પિનગર મેહદી હસન (23 રનમાં બે વિકેટ) શોને બોલ્ડ કર્યો હતો. આ પહેલા તેણે રોહિત શર્મા (17)ને આઉટ કર્યો હતો. અય્યરે (53 બોલમાં અણનમ 55) અહીંથી જવાબદારી  સંભાળી હતી. 


જ્યારે વરસાદને કારણે મેચ રોકાઈ ત્યારે અય્યરની સાથે રહાણે 17 રને બેટિંગ કરી રહ્યો હતો. મુંબઈએ 2006-2007ની સીઝન બાદ વિજય હજારે ટ્રોફી જીતી નથી. તે 20 ઓક્ટોબરે યોજાનારી ફાઇનલમાં દિલ્હી અને ઝારખંડ વચ્ચે ગુરૂવારે રમાનારી બીજી સેમીફાઇનલની વિજેતા ટીમ સામે રમશે.