Vinesh Phogat Disqualified: વિનેશ ફોગાટને જીવનું જોખમ હોવા છતાં મેડલ માટે ઘટાડ્યું હતું વજન, પરંતુ....
દેશ જેના ગોલ્ડ મેડલ જીતવાના સપના જોતો હતો અને પ્રાર્થના કરતો હતો તે વિનેશ ફોગાટ મેચ રમાય તે પહેલા જ અયોગ્ય જાહેર થઈ ગઈ. સુવર્ણ મેડલ તો ઠીક કોઈ પણ મેડલ જીતવાની આશા ધૂળધાણી થઈ ગઈ.
દેશ જેના ગોલ્ડ મેડલ જીતવાના સપના જોતો હતો અને પ્રાર્થના કરતો હતો તે વિનેશ ફોગાટ મેચ રમાય તે પહેલા જ અયોગ્ય જાહેર થઈ ગઈ. સુવર્ણ મેડલ તો ઠીક કોઈ પણ મેડલ જીતવાની આશા ધૂળધાણી થઈ ગઈ. ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગાટ બુધવારે ડિસ્ક્વોલિફાય જાહેર થતા જ જાણે હડકંપ મચી ગયો. વિનેશે સેમીફાઈનલમાં 5-0થી ક્યૂબાની પહેલવાનને હરાવીને ઓલિમ્પિક કુશ્તી ફાઈનલમાં જગ્યા બનાવી હતી. આમ કરનારી તે દેશની પહેલી મહિલા પહેલવાન બની હતી અને ફાઈનલમાં પણ તેની જીત લગભગ નિશ્ચિત જ માનવામાં આવતી હતી. આવામાં જ્યારે ભારતીય ખેલ પ્રેમીઓ બુધવારે રાતે ઉજવણી કરવાના સપના સેવી રહ્યા હતા ત્યાં તે પહેલા તો પેરિસથી એક દુખદ સમાચારે દેશને હ્રદયભગ્ન કરી નાખ્યો.
કુશ્તીમાં ગોલ્ડ મેડલ મેળવવવા માટે વિનેશે ફક્ત કુશ્તી મેટ પર નવા દાવ ખેલવામાં જ મહેનત કરી એવું નહતું તેણે મેદાન બહાર પણ ઓલિમ્પિકની 50 કિલોગ્રામ ફ્રી સ્ટાઈલ કુશ્તીમાં પોતાને જાળવી રાખવા માટે પોતાના સ્વાસ્થ્ય પર ખુબ મહેનત કરવી પડી હતી. વિનેશે જ્યારે ગત વર્ષે પોતાના પરંપરાગત 53 કિલોગ્રામ વજનની કેટેગરી છોડીને 50 કિલોગ્રામ વજનની કેટેગરીમાં લડવાનો નિર્ણય લીધો હતો ત્યારે તેને ડોક્ટરે આટલું ઝડપથી વજન ઉતારવાના જોખમો વિશે ચેતવણી આપી હતી. તેને કહેવાયું હતું કે આમ કરવાથી તેને જીવનું પણ જોખમ થઈ શકે છે. પરંતુ આમ છતાં વિનેશે ઓલિમ્પિક મેડલ જીતવાના સપના માટે જીવ દાવ પર લગાવી દીધો હતો. હવે તેના આ ત્યાગનું ફળ મળવાનો સમય આવ્યો ત્યારે જ માત્ર 100 કિલોગ્રામ વધુ વજન હોવાના કારણે તેનું જ નહીં પરંતુ આખા દેશનું સપનું તૂટી ગયું.
2 કિલોગ્રામ વધુ હતું વજન, ઉતારવા આખી રાત મહેનત કરી
મંગળવારની રાતે જ્યારે વિનેશ ફાઈનલમાં પહોંચી અને દેશમાં ઉજવણી ચાલુ હતી ત્યારે હજારો કિલોમીટર દૂર પેરિસમાં વિનેશ ફોગાટ સેમીફાઈનલની જીતને ભૂલીને એક અલગ જ પરીક્ષા સામે ઝઝૂમી રહી હતી. આ પરીક્ષા હતી પોતાના વજનને 50 કિલોગ્રામના દાયરામાં જાળવી રાખવાની. ઈન્ડિયન એક્સપ્રેસે સૂત્રોના હવાલે રિપોર્ટમા જણાવ્યું છે કે મંગળવારે રાતે સેમીફાઈનલ મેચ બાદ જ્યારે વિનેશનું વજન માપવામાં આવ્યું તો તે લગભગ 2 કિલોગ્રામ વધુ હતું. ટુર્નામેન્ટના નિયમો મુજબ પહેલવાનનું વજન કોમ્પિટિશનના બંને દિવસ તેના વજન વર્ગના દાયરામાં રહેવું જરૂરી છે. મંગળવારે રાતે વધેલા વજનને ઘટાડવા માટે વિનેશ સૂઈ નહીં. તેણે સાઈકલિંગ, જોગિંગ અને સ્કીપિંગ સહિત એ તમામ કવાયત કરી જે વજનને 50 કિલોગ્રામની કેટેગરીમાં લઈ જવા માટે તે કરી શકે તેમ હતી. આમ છતાં વિનેશનું વજન બુધવારે સવારે 100 ગ્રામ વધુ જોવા મળ્યું. જેના કારણે તે અયોગ્ય જાહેર થઈ ગઈ.
ડોક્ટરે આપી હતી ચેતવણી
વિનેશ ફોગાટનું ગત વર્ષે અને આ વર્ષની શરૂઆતમાં ઘણો સમય જંતર મંતર પર બગડ્ય હતો. જ્યાં તેણે અન્ય પહેલવાનો સાથે બ્રજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. તેની અસર તેની પ્રેક્ટિસ ઉપર પણ પડી હતી. જેના પગલે વિનેશે અચાનક પોતાનું વજન ઘટાડીને 53 કિલોગ્રામની જગ્યાએ 50 કિલોગ્રામ વજનમાં રમવાનો નિર્ણય લીધો હતો. આ સરળ નિર્ણય નહતો. કારણ કે વિનેશનું સરેરાશ વજન 56 કિલોગ્રામ રહે છે અને ખેલાડી હોવાના કારણે તેના શરીરમાં હાઈ મસલ્સ માસ હતું. આ વજન ગત વર્ષ ઓગસ્ટમાં ઘૂંટણની ઈજાના ઓપરેશનના કારણે વધીને 59 કિલોગ્રામ પહોંચી ગયું હતું. સાથે જ કોવિડ 19ની ઝપેટમાં આવવાના કારણે પણ શરીર નબળું હતું. આવામાં તેના અચાનક 9 કિલો વજન ઓછું કરવાના નિર્ણય વિરુદધ ડોક્ટરે ચેતવણી આપી હતી. ડોક્ટરોએ તેના પગલે તેના નબળા થવા, ઈજા થવા અને ગંભીર બીમારીઓની ઝપેટમાં આવવાની સાથે જીવનું જોખમ હોવાની પણ ચેતવણી આપી હતી. આમ છતાં વિનેશે રાત દિવસ મહેનત કરી અને પોતાનું વજન 50 કિલોગ્રામના દાયરામાં લાવીને દેખાડ્યું. જો કે તેના કારણે તેણે ઘણી પરેશાનીઓ પણ ઉઠાવવી પડી હતી.
ઓલિમ્પિક ક્વોલિફાયરમાં પણ થઈ હતી મુશ્કેલી
વિનેશ ફોગાટે ઓલિમ્પિક ટ્રાયલ્સ દરમિયાન પણ એકની જગ્યાએ 2 વજન વર્ગમાં લડવાનો નિર્ણય લીધો હતો જેથી કરીને તે કોઈ પણ સંજોગોમાં પેરિસની ટિકિટ મેળવી શકે. વજન ઘટવા છ તાં તેણે પહેલા 53 કિલોગ્રામ કેટેગરીમાં ભાગ લીધો અને ત્યાં હાર મળતા 50 કિલોગ્રામ કેટેગરીમાં જગ્યા બનાવીને ઓલિમ્પિક જવાની ટિકિટ મેળવી. આ કામ તેણે પહેલા પહેલવાનોના પ્રદર્શનમાં ભાગ લેવા છતાં કર્યું હતું. પરંતુ ચેલેન્જ ત્યારબાદ વજનને 50 કિલોગ્રામના દાયરામાં જાળવી રાખવાનું હતું. ઓલિમ્પિક ક્વોલિફાયર દરમિયાન પણ તેનું વજન મંગળવાર રાતની જેમ વધી ગયું હતું. ત્યાં પણ તેણે આખી રાત મહેનત કરીને વજનને 50 કિલોગ્રામ રાખવામાં સફળતા મેળવી તી. આ કામ પેરિસમાં પણ કરવાની કોશિશ કરાઈ પરંતુ તેની મહેનત પર આખરે 100 ગ્રામ વજને પાણી ફેરવી દીધુ.
(With PTI inputs)