ભિવાનીઃ કોમનવેલ્થ અને એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા રેસલર વિનેશ ફોગાટ 13 ડિસેમ્બરે રેસલર સોમવીર રાઠીની સાથે લગ્નગ્રંથીથી જોડાશે. વિનેશે જિંદમાં રહેતા સોમવીરની સાથે આ વર્ષે ઓગસ્ટમાં એશિયન ગેમ્સમાંથી પરત ફર્યા બાદ એરપોર્ટ પર શગાઇ કરી હતી. પારિવારિક સૂત્રો અનુસાર લગ્નનો કાર્યક્રમ ખૂબ સાગદી ભર્યો હશે, જેમાં પરિવારના લોકો અને નજીકના સંબંધીઓ હાજર રહેશે. વિનેશ અને સોમવીર બંન્ને રેલવેમાં નોકરી કરે છે. સોમવીર રાઠી પણ રાષ્ટ્રીય કુશ્તી ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતી ચુક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે, વિનેશ ફોગાટે મહિલાઓના 50 કિલોગ્રામ વર્ગના ફાઇનલ મુકાબલામાં જાપાનની યુકી ઇરીને હરાવીને એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા રેસલર બની હતી. ઈન્ડોનેશિયાથી સ્વદેશ પરત ફર્યા બાદ વિનેશ ફોગાટે 25 ઓગસ્ટે ઈન્ડિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોમવીરને વીંટી પહેરાવીને શગાઇ કરી લીધી હતી. 


25 ઓગસ્ટની રાત્રે આશરે 10 કલાકે તિરંગો ઓઢીને વિનેશ એરપોર્ટ બહાર નીકળી તો ત્યાં તેના ગામના ઘણા લોકો સ્વાગત માટે પહોંચ્યા હતા, જેણે પુષ્પ વર્ષા કરીને તેનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર બહાર પાર્કિંગ એરિયા પાસે વિનેશ અને સોમવીરે શગાઇની વિધિ પૂરી કરી હતી. આ દિવસે વિનેશનો જન્મદિવસ પણ હતો અને આ તકે એરપોર્ટ પર કેક કાપવામાં આવી હતી. 


ચરખી દાદરીના બલાલીની 24 વર્ષીય વિનેશ ફોગાટ અને સોનીપતમાં ખરખૌદાના સોમવીર રાઠીએ એક-બીજાને શગાઇની વીંટી પહેરાવી હતી. આ દરમિયાન વિનેશની માતા અને સોમવીરના પરિવારજનો હાજર હતા. મીડિયા અહેવાલ પ્રમાણે, રેલવેમાં નોકરી દરમિયાન બંન્ને નજીક આવ્યા અને મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ ત્યારબાદ બંન્નેએ જિંદગી એકસાથે પસાર કરવાનો નિર્ણય લીધો હતો. 


સોમવીર રાઠી જિંદ જિલ્લાના ગઢવાલી ખેડા ગામનો રહેવાસી છે અને તેણે કુશ્તીની શરૂઆત સોનીપરના ખરખૌદાથી કરી હતી. પગમાં ઈજા બાદ હિંમત ન હારેલી ભારતની મહિલા રેસલર વિનેશ ફોગાટે 18મી એશિયન ગેમ્સમાં ઐતિહાસિક સિદ્ધિ હાસિલ કરીને દેશનું ગૌરવ વધાર્યું હતું.