સચિન તેંડુલકર, ગાંગુલી અને લક્ષ્મણ સીએસીના મેમ્બર પદે યથાવત રહેશેઃ વિનોદ રાય
રાયને સવાલ પૂછવામાં આવ્યો કે શું નવી સીએસીની રચના કરવામાં આવશે તો તેમણે જણાવ્યું કે, અત્યારે હાલની સીએસી કાર્યરત રહેશે.
નવી દિલ્હીઃ સંચાલક સમિતિ (સીઓએ)ના પ્રમુખ વિનોદ રાયે સ્પષ્ટ કર્યં કે સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ બીસીસીઆઈનું નવું બંધારણ લાગૂ થવા અને નવી ચૂંટણી થાય ત્યાં સુધી ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)ના સભ્ય પદે યથાવત રહેશે.
સીઓએ સભ્ય રાય અને ડાયના ઇડુલ્જી સિવાય મુખ્ય કાર્યકારી અધિકારી રાહુલ જોહરીએ દિલ્હીમાં સર્વોચ્ચ કોર્ટના આદેશ અનુસાર નવા બંધારણને લઈને બેઠક યોજી હતી.
રાયને સવાલ પૂછવામાં આવ્યો કે શું નવી સીએસીની રચના કરવામાં આવશે તો તેમણે જણાવ્યું કે, અત્યારે હાલની સીએસી કાર્યરત રહેશે. અમારા વકીલે કોર્ટ પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યું હતું અને જ્યારે તેમને હાલની સીએસીના સંયોજન વિશે જાણ થઈ તો તેમણે ચૂંટણી થવા સુધી તેંડુલકર, ગાંગુલી અને લક્ષ્મણની સાથે ચાલુ રાખવાની મંજૂરી આપી છે.
ગાંગુલીના બંગાળ ક્રિકેટ પરિષદના અધ્યક્ષ અને લક્ષ્મણના આઈપીએલ ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના મેન્ટર અને કેબ વિઝન 2020 પરિયોજનાનો ભાગ હોવાને કારણે હિતોના ટકરાવને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. જ્યાં સુધી તેંડુલકરનો સવાલ છે તો તેમનો પુત્ર અર્જુને હાલમાં શ્રીલંકા વિરુદ્ધ અન્ડર-19 મેચની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્રણેયના સીએસીમાં યથાવત રહેવાને કારણે તેમને ક્રિકેટની નીતિઓ સાથે જોડાયેલા તમામ નિર્ણયો લેવાનો અધિકાર હશે જેમાં બે નવા કોચની નિમણૂક પણ સામેલ છે.