લંડનઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ વિશ્વ કપ પહેલા આઈસીસીના ક્રમશઃ બેટ્સમેન અને બોલરોના રેન્કિંગમાં ટોપ પર ચાલી રહ્યાં છે. યજમાન ઈંગ્લેન્ડ 10 ટીમોની આ ટૂર્નામેન્ટમાં વિશ્વની નંબર-1 ટીમના રૂપમાં ઉતરશે. ઈંગ્લેન્ડના 125 પોઈન્ટ છે જ્યારે તેનાથી ચાર પોઈન્ટ પાછળ ભારત બીજા સ્થાન પર છે. બેટ્સમેનોના રેન્કિંગમાં કોહલીએ બીજા સ્થાને ચાલી રહેલા ટીમના પોતાના સાથી રોહિત શર્મા પર 51 પોઈન્ટની લીડ બનાવી લીધી છે. કોહલીના 890 પોઈન્ટ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન પર ઈંગ્લેન્ડની 4-0ની જીત, આયર્લેન્ડમાં ત્રિકોણીય સિરીઝ તથા શ્રીલંકા અને અફગાનિસ્તાનના બ્રિટનના પ્રવાસ બાદ ગત સપ્તાહે રેન્કિંગને અપડેટ કરવામાં આવી હતી. ટોપ-10માં ન્યૂઝીલેન્ડ (રોસ ટેલર ત્રીજો અને માર્ટિન ગુપ્ટિલ 10મો), સાઉથ આફ્રિકા (ડિ કોક પાંચમો અને ફાફ છઠ્ઠો) અને પાકિસ્તાન (બાબર આઝમ 7મો અને ફખર જમાન 9મો)ના બે-બે બેટ્સમેનો સામેલ છે. 


વેસ્ટ ઈન્ડિઝનો શાઈ હોપ કરિયરના સર્વશ્રેષ્ઠ ચોથા જ્યારે ઈંગ્લેન્ડનો જો રૂટ આઠમાં સ્થાન પર છે. બાંગ્લાદેશની વિરુદ્ધ 130 રન ફટકારનાર આયર્લેન્ડનો પોલ સ્ટર્લિંગ પાંચ સ્થાનના ફાયદાથી 25માં સ્થાન પર પહોંચી ગયો છે. બાંગ્લાદેશને ત્રિકોણીય શ્રેણી વિજયમાં મહત્વની ભૂમિકા ભજવનાર સૌમ્ય સરકાર 10 સ્થાનની છલાંગથી 28માં સ્થાને પહોંચી ગયો છે. 


બોલરોના રેન્કિંગમાં બુમરાહ 774 પોઈન્ટની સાથે ટોપ પર છે. કુલદીપ યાદવ (7માં) અને ચહલ (8માં)ની ભારતની સ્પિન જોડીને પણ ટોપ-10માં સ્થાન મળ્યું છે. સાઉથ આફ્રિકાનો ઇમરાન તાહિર અને કગિસો રબાડા ક્રમશઃ ચોથા અને પાંચમાં સ્થાને છે. ન્યૂઝીલેન્ડનો ટ્રેન્ટ બોલ્ટ (બીજા), અફગાનિસ્તાનનો રાશિદ ખાન (ત્રીજા), ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ (છઠ્ઠા), ઈંગ્લેન્ડનો ક્રિસ વોક્સ (9માં) અને અફગાનિસ્તાનનો મુઝીબ ઉર રહમાન (10માં) ટોપ ટેનમાં સામેલ છે.