ખેલ રત્ન પુરસ્કાર માટે કોહલી અને મીરાબાઈના નામની ભલામણ
29 વર્ષના કોહલીના નામની 2016માં પણ ભલામણ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે પસંદગી સમિતિમાં તેના નામ પર સહમતિ ન બની.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનૂના નામની સોમવારે સંયુક્ત રૂપથી દેશના સૌથી મોટા રમત-ગમત પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે ભલામણ કરવામાં આવી છે.
આ પુરસ્કારની પસંદગી સમિતિ સાથે જોડાયેલા એક સૂત્રએ પીટીઆઈને કહ્યું કે, 29 વર્ષના કોહલીના નામની 2016માં પણ ભલામણ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે પસંદગી સમિતિમાં તેના નામ પર સહમતિ ન બની.
કોહલી અત્યારે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ટોપ ક્રમનો બેટ્સમેન છે અને શાનદાર ફોર્મમાં છે. જો ખેલ પ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડ તેના નામને મંજૂરી આપે છે તો તે આ એવોર્ડ જીતનારો દેશનો ત્રીજો ક્રિકેટર હશે. આ પહેલા સચિન તેંડુલકર (1997) અને બે વખત વિશ્વકપ જીતનાર પૂર્વ કેપ્ટન એમએસ ધોની (2007)માં મળ્યો છે.
ગત વર્ષે વિશ્વચેમ્પિયનશિપમાં 48 કિલોગ્રામ વજનમાં ગોલ્ડ મેડલ જીતવાને કારણે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે મીરાબાઈના નામની ભલામણ કરવામાં આવી છે. તેણે આ વર્ષે રાષ્ટ્રમંડળ ગેમ્સમાં પણ ગોલ્ડ જીત્યો હતો, પરંતુ ઈજાને કારણે એશિયન ગેમ્સમાંથી દૂર રહી હતી.
સૂત્રએ પીટીઆઈને જણાવ્યું કે આ પુરસ્કાર માટે બેડમિન્ટન ખેલાડી કિદાંબી શ્રીકાંતના નામ પર પણ ચર્ચા કરવામાં આવી છે.