INDvsWI: વનડેમાં સતત ત્રણ સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો કોહલી
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પુણે વનડેમાં પણ સદી ફટકારી છે. તેણે આ પહેલા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પ્રથમ બે વનડેમાં 140 અને 157* રન બનાવ્યા હતા.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના નવા રન-મશીન વિરાટકોહલીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ પુણે વનડેમાં સદી ફટકારીને વધુ એક રેકોર્ડ તેના નામે કરી લીધો છે. તે હવે ભારતનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે, જેણે વનડે ક્રિકેટમાં સતત ત્રણ મેચોમાં સદી ફટકારી છે. તેણે આ પહેલા ગુવાહાટીમાં 140 અને વિશાખાપટ્ટનમ વનડેમાં 157* રન બનાવ્યા હતા. વિરાટ હવે 214 વનડે મેચોમાં 38 સદી ફટકારી ચુક્યો છે. તેનાથી વદુ સદી સચિન તેંડુલકર (49)ના નામે છે.
સદીની હેટ્રિક લગાવનાર 10મો ક્રિકેટર
29 વર્ષનો વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં સદીની હેટ્રિક લગાવનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો 10મો ક્રિકેટ ખેલાડી છે. આ લિસ્ટમાં શ્રીલંકાના કુમાર સાંગાકારાનો પ્રથમ નંબર આવે છે. તેણે 2015માં સતત ચાર ઈનિંગમાં સદી ફટકારી હતી. આ સિવાય ઝહીર અબ્બાસ, સઈદ અનવર, હર્ષિલ ગિબ્સ, એબી ડિવિલિયર્સ, ક્વિંટન ડિકોક, એબી ડિવિલિયર્સ, રોસ ટેલર, બાબર આઝમ અને જોની બેયરસ્ટોએ સતત ત્રણ સદી ફટકારી ચુક્યા છે. ઈંગ્લેન્ડના બેયરસ્ટોએ આ વર્ષે સિદ્ધિ મેળવી હતી.
કોહલીએ એમએસ ધોનીને છોડ્યો પાછળ
આ મેચ પહેલા વિરાટ કોહલીના નામે 10,076 રન નોંધાયેલા હતા. જ્યારે ધોનીએ આ મેચ પહેલા 329 મેચોમાં 10,143 રન બનાવ્યા હતા. આ રીતે કોહલીને ધોનીથી આગળ નિકળવા માટે 68 રનની જરૂર હતી. વિરાટે 27મી ઓવરમાં 68મો રન બનાવતા ધોનીને પાછળ છોડી દીધો હતો. હવે તેના નિશાન પર શ્રીલંકાના તિલકરત્ન દિલશાનનો રેકોર્ડ છે. દિલશાને 330 મેચોમાં 10,290 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ ગત મેચમાં સૌથી ઓછી ઈનિંગમાં 10 હજાર પૂરા કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
રેકોર્ડવીર કોહલીની વધુ એક સિદ્ધિ, મેથ્યુ હેડનના રેકોર્ડની કરી બરોબરી
એશિયામાં સૌથી ઝડપી બનાવ્યા 6000 રન
કેરિયરના શાનદાર ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીએ આ ઈનિંગમાં વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કોહલી એશિયામાં સૌથી ઝડપી 6000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. કોહલીએ 117 ઈનિંગમાં 6000 રન પૂરા કર્યા છે. આ પહેલા રેકોર્ડ ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના નામે હતો. તેંડુલકરે 142 ઈનિંગમાં 6000 રન બનાવ્યા હતા.