નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ફરી એક વખત આઈસીસીના ટેસ્ટ રેન્કિંગમાં ટોચનું સ્થાન હાંસલ કરી લીધું છે. સીરિઝની પ્રથમ ટેસ્ટની બંને ઈનિંગ્સમાં 200 રન ફટકારીને વિરાટે ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જોકે, લોર્ડ્સ ટેસ્ટમાં એક ઈનિંગ્સ અને 159 રનની કારમી હાર બાદ વિરાટ રેન્કિંગમાં ફરીથી બીજા ક્રમે આવી ગયો હતો. હવે નોટિંઘમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગ્સમાં 97 અને બીજી ઈનિંગ્સમાં 103 રન ફટકારીને 937 પોઈન્ટ સાથે તે ફરીથી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાને આવી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આપને જણાવી દઈએ કે, 5 ટેસ્ટની શ્રેણીમાં 0-2થી પાછળ રહ્યા બાદ ટ્રેન્ટ બ્રિજમાં ભારતે ઈંગ્લેન્ડને 203ના મોટા માર્જિન સાથે પરાજય આપ્યો હતો. વિરાટે આ મેચની પ્રથમ ઈનિંગ્સમાં 97 અને બીજી ઈનિંગ્સમાં 103 રન બનાવ્યા હતા. આ કોહલીની 23મી ટેસ્ટ સદી હતી. વિરાટ કોહલીને આ મેચમાં 'મેન ઓફ ધ મેચ' જાહેર કરાયો હતો. 


વિરાટ કોહલીના આ શાનદાર પ્રદર્શન બાદ 937 રેટિંગ પોઈન્ટ થઈ ગયા છે. વિરાટની ટેસ્ટ કારકિર્દીના આ સર્વોચ્ચ રેટિંગ પોઈન્ટ છે. બે અઠવાડિયા અગાઉ ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમં કોહલીએ 149 અને 51 રનની ઈનિંગ્સ રમી હતી. લોર્ડ્સ ટેસ્ટમાં વિરાટ 23 અને 17 રન જ બનાવી શક્યો હતો.


આ રેકોર્ડથી માત્ર 1 પોઈન્ટ દૂર 
વિરાટ કોહલીએ ટોપ સ્પોટ પર રહેલા ઓસ્ટ્રેલિયાના પ્રતિબંધિત ખેલાડી સ્ટીવ સ્મિથને પછાડીને પ્રથમ નંબરે સ્થાન મેળવી લીધું છે. કોહલી ઓલ ટાઈમ સૌથી વધુ પોઈન્ટથી માત્ર એક જ પોઈન્ટ દૂર છે. આ યાદીમાં ડોન બ્રેડમેન (961), સ્ટીવ સ્મિથ (947), લેન હટન (945), જેક હોબ્સ અને રિકી પોન્ટિંગ (બંને 947), પીટર મે (941) અને ગેરી સોબર્સ, ક્લાઈડ વોલકોટ, વિવિયન રિચાર્ડ્સ અને કુમાર સંગકારા (દરેકના 938 પોઈન્ટ) રહ્યા છે. 


વિરાટે બ્રેડમેનને પણ પાછળ રાખ્યા 
નોટિંઘમ ટેસ્ટ કોહલી માટે અંગત રીતે અત્યંત સફળ રહી હતી. વિરાટ કોહલી એવો પ્રથમ કેપ્ટન બન્યો છે, જેણે 7મી વખત એક ટેસ્ટમાં 200 કે તેનાથી વધારે રન બનાવીને ટીમનો વિજય અપાવ્યો હોય. કોહલીએ ડેન બ્રેડમેન અને રિકી પોન્ટિંગના 6 વખત 200 કે તેનાથી વધારે રન બનાવીને ટીમને વિજય અપાવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 


ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે 10 વખત 200થી વધુ રન બનાવ્યા છે, જે કોઈ પણ ભારતીય કેપ્ટન માટે એક આગવો રેકોર્ડ છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આવું માત્ર એક વખત કરી શક્યો છે, જ્યારે 2013માં ચેન્નઈમાં તેણે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં 224 રન બનાવીને ટીમને જીતાડી હતી. 



રેન્કિંગમાં હાર્દિક પંડ્યાને 27 પોઈન્ટનો ફાયદો થયો છે અને તે 17મા ક્રમે આવી ગયો છે. હાર્દિકે ત્રીજી ટેસ્ટમાં 5 વિકેટ લીધી હતી અને અડધી સદી બનાવી હતી. 


ટી-20 શ્રેણી જીતી, વન-ડે શ્રેણીમાં પરાજય અને ટેસ્ટમાં 2-1 થી પાછળ 
ટીમ ઈન્ડિયાએ પોતાના ઇંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત ટી20 શ્રેણીને 2-1થી જીતવા સાથે કરી હતી. ત્યાર બાદ વન ડે શ્રેણીમાં ભારતને 1-2થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 3-3 મેચની ટી-20 અને વન ડે શ્રેણી બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટની શ્રેણીની શરૂઆત થઈ હતી. પ્રથમ બે ટેસ્ટમાં પરાજય બાદ ભારતે ત્રીજી ટેસ્ટ જીતી શ્રેણીને જીવંત રાખી છે.