ખરાબ ફોર્મ... આલોચકોને જવાબ, તમામ મુદ્દા પર પ્રથમવાર ખુલીને બોલ્યો વિરાટ કોહલી
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે સિરીઝ દરમિયાન વિરાટ કોહલીએ ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. પરંતુ હવે ભારતનો પૂર્વ કેપ્ટન એશિયા કપથી વાપસી કરવા માટે તૈયાર છે. વિરાટ કોહલી નવેમ્બર 2019 બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી.
નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આશા છે કે આગામી એશિયા કપ 2022માં તેનું ફોર્મ પરત આવી જશે. કોહલી આશરે દોઢ મહિના બાદ ક્રિકેટના મેદાન પર વાપસી કરવાનો છે. ટૂર્નામેન્ટમાં ભારત પોતાના પ્રથમ મુકાબલામાં 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચમાં બધાની નજર વિરાટ કોહલીની બેટિંગ પર હશે. આ મુકાબલો કોહલીના કરિયરની 100મી ટી20 આંતરરાષ્ટ્રીય મેચ હશે. પૂર્વ કેપ્ટને છેલ્લા 1 હજાર દિવસથી વધુ સમયથી કોઈ સદી ફટકારી નથી. તે છેલ્લે ઈંગ્લેન્ડ સામે મેદાન પર ઉતર્યો હતો, જ્યાં 20 રન બનાવ્યા હતા.
33 વર્ષના વિરાટ કોહલીએ છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા ખરાબ ફોર્મ પર મૌન તોડ્યું છે. પૂર્વ કેપ્ટને ઈંગ્લેન્ડમાં થયેલી ભૂલનો સ્વીકાર કરતા કહ્યુ કે ખરાબ ફોર્મનું એક કારણ એક સમાન પેટર્ન હતી અને તેણે તેને સુધારવા માટે ઘણી મહેનત કરી છે.
વિરાટ કોહલીએ સ્ટાર સ્પોર્ટ્સના શો ગેમ પ્લાનમાં કહ્યું, ઈંગ્લેન્ડમાં જે થયું તે એક પેટર્ન હતી, આના પર હુમ કામ કરી શકતો હતો. મારે તેને દૂર કરવાની હતી. હવે એવું કંઈ નથી કે તમે કહી શકો કે અહીં સમસ્યા થઈ રહી છે. તેથી મારા માટે આ પ્રક્રિયા કરવી સરળ છે કારણ કે મને ખ્યાલ છે કે હું સારી બેટિંગ કરી રહ્યો છું. ઘણીવાર મને જ્યારે લાગે છે કે લય પરત આવી ગઈ છે તો મને ખ્યાલ છે કે હું સારી બેટિંગ કરી રહ્યો છું.
આ પણ વાંચોઃ Team India નો આ સ્ટાર ખેલાડી કેમ પોતાના હાથ ઉપર લગાવે છે K અક્ષરનું સ્ટિકર? જાણો રોચક વાત
ખરાબ ફોર્મને કારણે કોહલીએ આલોચનાનો સામનો કરવો પડ્યો અને આ સ્ટાર બેટરે આલોચકોને પણ જવાબ આપ્યો છે. તેણે કહ્યું, મને ખબર છે કે મારી રમત ક્યાં છે અને તમે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં પરિસ્થિતિઓ અને વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવા તથા વિવિધ પ્રકારની બોલિંગનો મુકાબલો કરવાની ક્ષમતા રાખ્યા વગર આટલા દૂર સુધી ન રમી શકો.
વિરાટે કહ્યું- મારા માટે આ પ્રક્રિયા કરવાનો એક સરળ તબક્કો છે, પરંતુ હું તેને પોતાની પાછળ રાખવા ઈચ્છતો નથી. હું તેનાથી શીખવા ઈચ્છુ છું અને હું તે સમજવા ઈચ્છુ છું કે એક ખેલાડી અને એક વ્યક્તિના રૂપમાં મારા મૂળ મૂલ્યો ક્યા છે. જ્યાં સુધી હું આ વસ્તુને યોગ્ય કરી રહ્યો છું, મને ખ્યાલ છે કે ઉતાર-ચઢાવ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube