મુંબઈઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 3 મેચની ટેસ્ટ સિરીઝનો અંતિમ મુકાબલો રમાઈ રહ્યો છે. પ્રથમ દિવસે ન્યૂઝીલેન્ડની ટીમ બેટિંગ કરતા 235 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી સ્પિનરોએ કમાલનું પ્રદર્શન કર્યું હતું. રવિન્દ્ર જાડેજાએ 5 તો વોશિંગટન સુંદરે 4 વિકેટ લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝીલેન્ડના સ્કોરના જવાબમાં ભારતીય ટીમે મક્કમતાથી રમવાની શરૂઆત કરી પરંતુ કેપ્ટન રોહિત શર્માએ ફરી નિરાશ કર્યાં અને તે સાતમી ઓવરમાં 18 રન બનાવી આઉટ થઈ ગયો હતો. રોહિત આઉટ થયા બાદ યશસ્વી પણ 30 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. જાયસવાલ આઉટ થયા બાદ મોહમ્મદ સિરાજ આવ્યો અને શૂન્ય રને પોતાની વિકેટ ગુમાવી હતી. 


બે બોલમાં બે વિકેટ પડ્યા બાદ ભારતીય ટીમ પ્રેશરમાં આવી અને બેટિંગ કરવા વિરાટ કોહલી આવ્યો હતો. કોહલી માત્ર 4 રન બનાવી રનઆઉટ થઈ ગયો હતો. ઝડપી એક રન લેવાના પ્રયાસમાં કોહલીએ પોતાની વિકેટ ગુમાવી હતી. કોહલી ભલે 4 રન બનાવી આઉટ થયો પરંતુ તેણે બે રેકોર્ડ બનાવ્યા છે. હકીકતમાં કોહલી જ્યારે મેદાન પર ઉતર્યો તો તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની 600મી ઈનિંગ પૂરી કરી હતી. તે આ રીતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 ઈનિંગ રમનાર પ્રથમ એક્ટિવ ક્રિકેટર બની ગયો છે.


આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ ઈનિંગ રમનાર એક્ટિવ ક્રિકેટર
600 - વિરાટ કોહલી
518 - મુશફિકુર રહીમ
518 - રોહિત શર્મા
491 - શાકિબ અલ હસન
470 - એન્જેલો મેથ્યુઝ


કોહલી માત્ર ત્રીજો ભારતીય ક્રિકેટર છે જેણે 600 આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સ રમવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા માત્ર સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડે જ ભારત માટે આ મોટી સિદ્ધિ મેળવી હતી. આટલું જ નહીં, તે આ માઈલસ્ટોન પર પહોંચનાર વિશ્વનો આઠમો ક્રિકેટર બની ગયો છે.


આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ ઇનિંગ્સ રમનાર ભારતીય ક્રિકેટર
સચિન તેંડુલકર- 782
રાહુલ દ્રવિડ- 605
વિરાટ કોહલી- 600
એમએસ ધોની- 526
રોહિત શર્મા- 518


એટલું જ નહીં વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 ઈનિંગ બાદ સૌથી વધુ રન બનાવનાર બેટર પણ બની ગયો છે. કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ ધ્વસ્ત કર્યો છે. આ પહેલા સચિનના નામે 600 ઈનિંગમાં સૌથી વધુ રનનો રેકોર્ડ હતો. કોહલી વિશ્વનો એકમાત્ર એવો બેટર છે જેણે 600 ઈનિંગ બાદ 27 હજારથી વધુ રન બનાવવાની સિદ્ધિ મેળવી છે. 


આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 ઇનિંગ્સ પછી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
27133 - વિરાટ કોહલી*
26020 - સચિન તેંડુલકર
25386 - રિકી પોન્ટિંગ
25212 - જેક્સ કાલિસ
24884 - કુમાર સંગાકારા
24097 - રાહુલ દ્રવિડ
21815 - મહેલા જયવર્દને
19917 - સનથ જયસૂર્યા