નવી દિલ્હીઃ ભારતીય સ્ટાર બેટર વિરાટ કોહલીએ (Virat Kohli) પોતાના ક્રિકેટ કરિયરમાં વધુ એક સિદ્ધિ હાસિલ કરી છે. વિરાટ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 25 હજાર રન બનાવનાર બેટર બની ગયો છે. તેણે નવી દિલ્હીમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચની બીજી ઈનિંગ દરમિયાન આ મુકામ હાસિલ કર્યો છે. કોહલીએ આ સાથે મહાન ક્રિકેટર સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો, જેણે 577 ઈનિંગમાં આ આંકડો પાર કર્યો હતો. તો વિરાટ કોહલીએ 549 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલી અને સચિન બાદ રિકી પોન્ટિંગ (588), જેક કાલિસ (594), કુમાર સાંગાકારા (608) અને માહેલા જયવર્ધને (701) આ સિદ્ધિ મેળવનાર બેટર છે. અત્યાર સુધી માત્ર 6 બેટ્સમેન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 25 હજાર કે તેથી વધુ રન બનાવી શક્યા છે. 


કોહલીએ 492 મેચની 549 ઈનિંગમાં 53.55 ની એવરેજથી 25,012 રન બનાવ્યા છે. તેના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 74 સદી અને 129 અડધી સદી નોંધાયેલી છે. તેણે અત્યાર સુધી 106 ટેસ્ટ મેચ રમી છે. જેમાં 48.77ની એવરેજથી 27 સદી અને 28 અડધી સદી સાથે 8195 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 254 રન છે. 


આ પણ વાંચોઃ IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે અંતિમ બે ટેસ્ટ અને વનડે સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર


વનડેમાં કોહલીએ 271 મેચમાં 57.59ની એવરેજથી 12809 રન બનાવ્યા છે. તેણે વનડેમાં 46 સદી અને 64 અડધી સદી ફટકારી છે. વનડે ફોર્મેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 183 રન છે. તો ટી20 આંતરરાષ્ટ્રીયમાં તેના નામે 52.73ની એવરેજથી 4008 રન છે. ટી20 ફોર્મેટમાં તેના નામે એક સદી અને 37 અડધી સદી છે. 


આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટર
1. સચિન તેંડુલકર- 34,357 રન
2. કુમાર સાંગાકારા- 28,016 રન
3. રિકી પોન્ટિંગ- 27,483 રન
4. માહેલા જયવર્ધને- 25,957 રન
5. જેક કાલિસ- 25,534 રન
6. વિરાટ કોહલી- 25,012* રન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube