બેંગલુરૂમાં વિરાટ કોહલીએ કર્યો કમાલ, ટેસ્ટ ક્રિકેટમાં પૂરા કર્યાં 9000 રન, બન્યો ચોથો ભારતીય
Virat Kohli: વિરાટ કોહલીએ આજે બેંગલુરૂમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ અડધી સદી ફટકારવાની સાથે ટેસ્ટ ક્રિકેટમાં 9000 રન પૂરા કર્યાં છે. ક્રિકેટ કરિયરમાં આ સિદ્ધિ વિરાટ કોહલી માટે ખાસ છે.
Virat Kohli Record: વિરાટ કોહલીએ આજે ટેસ્ટ ક્રિકેટમાં એક નવો કીર્તિમાન બનાવ્યો છે. કોહલી બેંગલુરૂમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટની પહેલી ઈનિંગમાં શૂન્ય રને આઉટ થઈ ગયો હતો, ત્યારે તેની ખુબ આલોચના થઈ રહી હતી. પરંતુ આ મેચની બીજી ઈનિંગમાં કોહલીએ પોતાના બેટથી જવાબ આપ્યો છે. આમ તો કોહલીએ ઘણા રેકોર્ડ્સ બનાવ્યા છે, પરંતુ ટેસ્ટ મેચમાં બનાવેલો આ રેકોર્ડ ખુબ ખાસ છે. ભારતીય ટીમ ટીમ ભલે બેકફુટ પર હોય પરંતુ વિરાટ કોહલી અહીં ફ્રંટ ફુટ પર બેટિંગ કરી રહ્યો છે.
વિરાટ કોહલીએ ટેસ્ટમાં પૂરા કર્યા 9 હજાર રન
વિરાટ કોહલી ઘણા સમયથી ટેસ્ટ ક્રિકેટમાં 9 હજાર રન પૂરા કરવાની પ્રતીક્ષા કરી રહ્યો હતો, આજે તેણે આ સિદ્ધિ હાસિલ કરી છે. આ મેચ પહેલા કોહલીને 53 રનની જરૂર હતી, જે આજે તેણે બનાવી લીધા છે. ટેસ્ટ મેચની બીજી ઈનિંગમાં વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી અને ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં 9 હજાર રન પૂરા કર્યાં છે.
આ પણ વાંચોઃ નવી રમતો સાથે આ વર્ષે રમાશે ખેલ મહાકુંભ 2.0! ચાર નવી મજેદાર ગેમ એડ કરાઈ
116 ટેસ્ટ મેચમાં કોહલીએ કર્યો કમાલ
વિરાટ કોહલી પહેલાં અત્યાર સુધી માત્ર ત્રણ ભારતીય બેટર એવા છે, જેણે નવ હજારથી વધુ રન બનાવ્યાં છે. કોહલીએ અહીં પહોંચવા માટે 116 મેચની 197 ઈનિંગ લીધી છે. આ દરમિયાન તેના બેટથી 29 સદી અને 31 અડધી સદી નિકળી છે. આ સમયે તેની એવરેજ 48.85 ની છે અને તે 55.81ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી રહ્યો છે.
ભારતના આ બેટરોએ બનાવ્યા છે 10 હજારથી વધુ રન
આ પહેલાં સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને દિગ્ગજ બેટરોમાં સામેલ સુનીલ ગાવસ્કર ટેસ્ટમાં ભારત માટે 10 હજારથી વધુ રન બનાવી ચૂક્યાં છે. જો રનની વાત કરવામાં આવે તો સચિન તેંડુલકરે 200 ટેસ્ટ મેચ રમી 15921 રન બનાવ્યા છે. તો રાહુલ દ્રવિડે 163 મેચ રમી 13265 રન ફટકાર્યા છે. જ્યારે સુનીલ ગાવસ્કરે 125 ટેસ્ટ મેચ રમી 10122 રન બનાવ્યા છે. હવે કોહલીની નજર 10 હજાર ટેસ્ટ રન પૂરા કરવા પર હશે.