આખરે સદીનો દુકાળ પૂરો થયો, કોહલીએ વન-ડેમાં 40 મહિના પછી સદી ફટકારી, રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો
વિરાટ કોહલીએ આખરે સદીનો ઈંતઝાર ખતમ કરતાં બાંગ્લાદેશ સામે રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં સદી ફટકારી. વિરાટ કોહલીના બેટમાંથી વન-ડે ક્રિકેટમાં સદી નીકળી અને તેની સાથે જ તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
નવી દિલ્લી: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામે ત્રીજી વન-ડે મેચમાં શાનદાર સદી ફટકારી. કોહલીએ વન-ડે કારકિર્દીની 44મી સદી ફટકારી. આ સદી એટલા માટે મહત્વની રહી. કેમ કે લાંબા સમય એટલે કે 40 મહિના પછી આવી છે. બાંગ્લાદેશ સામે વિરાટ કોહલીએ 113 રનની ઈનિંગ્સ રમી. જેમાં તેણે 91 બોલમાં 11 ચોક્કા અને 2 સિક્સ ફટકારી. વિરાટે ઈશાન કિશન સાથે બીજી વિકેટ માટે 290 રનની ઐતિહાસિક ભાગીદારી કરી.
40 મહિના પછી આવી સદી:
વિરાટ કોહલીના બેટમાંથી ઓગસ્ટ 2019 પછી કોઈ સદી નીકળી છે. ત્યારે કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે 114 રનની ઈનિંગ્સ રમી હતી. એટલે 3 વર્ષ કરતાં વધારે સમય પછી વિરાટ કોહલીના બેટમાંથી સદી નીકળી છે.
વિરાટ કોહલીની ઈન્ટરનેશનલ સદી:
વન-ડેમાં 44 સદી
ટેસ્ટમાં 27 સદી
ટી-20માં 1 સદી
રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો:
વિરાટ કોહલીએ 44મી સદી સાથે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. વિરાટની ઈન્ટરનેશનલ ક્રિકેટમાં હવે 72 સદી થઈ ગઈ છે. જ્યારે પોન્ટિંગની 71 સદી હતી. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે સદીના મામલામાં હવે વિરાટ નંબર 2 છે. જ્યારે નંબર વન પર ભારતના સચિન તેંડુલકર છે.
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે સદી:
1. સચિન તેંડુલકર - 100 સદી
2. વિરાટ કોહલી - 72 સદી
3. રિકી પોન્ટિંગ - 71 સદી
વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે સદી:
1. સચિન તેંડુલકર - 49 સદી
2. વિરાટ કોહલી- 44 સદી
3. રિકી પોન્ટિંગ - 30 સદી
4. રોહિત શર્મા - 29 સદી