ઈંગ્લેન્ડ પ્રવાસઃ બંન્ને ટી-20માં વિરાટ કોહલી ફેલ, બનાવ્યા માત્ર 9 રન
વિરાટ કોહલીનો છેલ્લો ઈંગ્લેન્ડનો પ્રવાસ ખરાબ રહ્યો હતો, આ વખતે પણ તે પ્રવાસની સારી શરૂઆત કરવામાં નિષ્ફળ રહ્યો છે.
નવી દિલ્હીઃ ભારતીય ટીમે આયર્લેન્ડને બીજી અને અંતિમ ટી20 મેચમાં 143 રનથી હરાવીને શ્રેણી 2-0થી જીતી લીધી. આ ફોર્મેટમાં રનના મામલે ભારતની સૌથી મોટી જીત છે. આ પહેલા 2017માં શ્રીલંકા સામે 93 રને વિજય મેળવ્યો હતો. મેન ઓફ ધ મેચ રાહુલ રહ્યો અને ચહલને મેન ઓફ ધ સીરીઝનો એવોર્ડ મળ્યો. ભારતીય ટીમે ભલે આયર્લેન્ડ વિરુદ્ધ બંન્ને મેચમાં વિજય મેળવ્યો પરંતુ ટીમ ઈન્ડિયાને કેપ્ટન વિરાટ કોહલી નિષ્ફળ રહ્યો. વિરાટનો ગત ઈંગ્લેન્ડ પ્રવાસ પણ સારો રહ્યો ન હતો. આ પ્રવાસની શરૂઆતમાં પણ કોહલી મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો છે.
પ્રથમ ટી20માં શૂન્ય પર આઉટ થયો વિરાટ
આયર્લેન્ડ વિરુદ્ધ પ્રથમ ટી20 કોહલી શૂન્ય પર આઉટ થયો હતો. પીટર ચેજે વિરાટને ખાતું પણ ન ખોલવા દીધું. પરંતુ કોહલી જ્યારે બેટિંગમાં આવ્યો ત્યારે ભારતીય ટીમ પાસે વધુ ઓવર પણ બચી ન હતી. તેવામાં તેની વિકેટ પર વધુ ધ્યાન ન આપવામાં આવ્યું.
બીજી ટી20માં માત્ર 9 રન બનાવી આઉટ
બીજી ટી20માં કોહલી રાહુલની સાથે ઓપનિંગ કરવા આવ્યો અને 9 રન પર આઉટ થઈ ગયો. ઈનિંગની ત્રીજી ઓવરમાં પીટર ચેજે વિરાટને આઉટ કર્યો હતો.
વિરાટ કોહલી ટી20માં છેલ્લા પાંચ ઈનિંગથી સતત ફેલ થઈ રહ્યો છે. તેનો સ્કોર 13, 26, 1, 0 અને 9 રહ્યો છે. ટી-20ની છેલ્લા પાંચ ઈનિંગમાં રન ન બનાવવાને કારણે વિરાટની બેટિંગ એવરેજ પણ 50થી નીચે આવી ગઈ છે. કોહલીની એવરેજ 48.58 પર પહોંચી ગઈ છે.