વિરાટ કોહલીના નામે વધુ એક રેકોર્ડ, કેપ્ટન તરીકે લારાને પાછળ છોડ્યો
કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ સૌથી ઝડપી 4000 ટેસ્ટ રન પૂરા કરી લીધા છે. કોહલીએ આ સિદ્ધિ 65મી ટેસ્ટ ઈનિંગમાં મેળવી છે.
સાઉથમ્પ્ટનઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ સાઉથમ્પ્ટન ટેસ્ટની બીજી ઈનિંગમાં કેપ્ટન વિરાટ કોહલી 58 રન બનાવીને આઉટ થયો હતો. આ દરમિયાન તેણે વેસ્ટઈન્ડિઝના મહાન બેટ્સમેન અને કેપ્ટન બ્રાયન ચાર્લ્સ લારાના મોટા વર્લ્ડ રેકોર્ડને પાછળ છોડી દીધો છે.
નોંધનીય છે કે કેપ્ટન તરીકે વિરાટ કોહલીએ સૌથી ઝડપી 4000 ટેસ્ટ રન પૂરા કરી લીધા છે. કોહલીએ આ સિદ્ધિ 65મી ટેસ્ટ ઈનિંગમાં મેળવી છે. આ ઉપલબ્ધિની સાથે તેણે બ્રાયન લારાને પાછળ છોડી દીધો છે, જેમણે કેપ્ટન તરીકે 4000 ટેસ્ટ રન સુધી પહોંચવા માટે 71 ઈનિંગ રમી હતી.
કેપ્ટન તરીકે સૌથી ઝડપી 4000 ટેસ્ટ રન
65 વિરાટ કોહલી
71 બ્રાયન લારા
75 રિકી પોન્ટિંગ
80 ગ્રેગ ચેપલ
83 એલન બોર્ડર
87 ક્લાઇડ લોયડ
90 એલિસ્ટેયર કુક
આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલી (58) રહાણે સાથે ચોથી વિકેટ માટે 101 રનની ભાગીદારી કરી હતી. કોહલીની આ 19મી અર્ધસદી હતી. તેણે 130 બોલમાં ચાર બાઉન્ટ્રી ફટકારી હતી.
આ મેચમાં કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 6000 રન પણ પૂરા કર્યા હતા. કોહલીએ પ્રથમ ઈનિંગમાં પોતાનો છઠ્ઠો રન પૂરા કરતા આ સિદ્ધિ મેળવી હતી.
કોહલીએ પોતાની 119મી ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. ભારત તરફથી સૌથી ઓછી ઈનિંગમાં 6000 ટેસ્ટ રન બનાવવાનો રેકોર્ડ પૂર્વ દિગ્ગજ ઓપનિંગ બેટ્સમેન સુનીલ ગાવસ્કરના નામે છે. તેમણે 117 ઈનિંગમાં આ આંકડાને પાર કર્યો હતો.