દુબઈઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ટેસ્ટ હાર્યાના એક દિવસ બાદ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને વધુ એક ઝટકો લાગ્યો છે. તે આઈસીસીના ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાનેખી બીજા સ્થાને ખસકી ગયો છે. રસપ્રદ વાત તે છે કે કોહલીને ટોપ પરથી બેદખલ કરનાર સ્ટીવન સ્મિથ ચાર મહિનાથી કોઇ ટેસ્ટ મેચ રમ્યો નથી. ઓસ્ટ્રેલિયાએ બોલ ટેમ્પરિંગ મામલામાં તેના પર એક વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીને લોર્ડ્સમાં નિષ્ફળતાનું નુકસાન થયું
આઈસીસીએ સોમવારે જાતા રેન્કિંગ જાહેર કર્યુ. તેમાં કોહલીને લોર્ડ્સની નિષ્ફળતાનું પણ નુકસાન ભોગવવું પડ્યું છે. કોહલીએ આ મેચની બે ઈનિંગમાં માત્ર 40 રન બનાવ્યા હતા. કોહલીના આઈસીસી રેટિંગમાં 919 અંક છે. જ્યારે સ્મિથના 929 અંક છે. ટોપ-10માં બે ફેરફાર થયા છે. લોર્ડ્સમાં 93 રન ફટકારનાર જોની બેયરસ્ટો ત્રણ સ્થાન આગળ વધીને 9માં સ્થાને પહોંચી ગયો છે. દક્ષિણ આફ્રિકાનો ડીન એલ્ગર એક સ્થાન નીચે ખસકીને 10માં સ્થાન પર આવી ગયો છે. ઈંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ ત્રીજા અને ચેતેશ્વર પૂજારા છઠ્ઠા સ્થાને યથાવત છે. વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટમાં 149 અને 51 રનની ઈનિંગની મદદથી નંબર-1 બન્યો હતો. 


એન્ડરસન 900 પોઇન્ટ હાસિલ કરનાર સાતમો ઈંગ્લિશ બોલર
ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન બોલિંગ રેન્કિંગમાં નંબર-1 પર યથાવત છે. તેણે લોર્ડ્સ ટેસ્ટમાં 9 વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શનને કારણે તેણે 900 રેટિંગ પોઇન્ટ હાસિલ કર્યા છે. તે આમ કરનારો ઈંગ્લેન્ડનો સાતમો બોલર છે. ઈંગ્લેન્ડના કોઇ ખેલાડી 38 વર્ષ બાદ 900 રેટિંગ પોઇન્ટ પર પહોંચ્યો છે. આ પહેલા સિડની બાર્નેસ (932), જોર્જ લોહમન (931), ટોની લોક (912), ઇયાન બોથમ (911), ડૈરેડ અંડરવુડ (907) અને એલેક બેડસેર (903)એ 900 રેટિંગ પોઇન્ટ હાસિલ કર્યા હતા. 


વોક્સને બેટિંગ રેન્કિંગમાં 34 સ્થાનનો ફાયદો
લોર્ડ્સમાં મેન ઓફ ધ મેચ બનેલા ક્રિસ વોક્સને બોલિંગ અને બેટિંગ બંન્ને રેન્કિંગમાં ફાયદો થયો છે. વોક્સે બીજી મેચમાં 137 રન ફટકાર્યા હતા. તે બેટિંગ રેન્કિંગમાં 34 સ્થાનની છલાંગ લગાવીને 50માં સ્થાને પહોંચી ગયો છે. આ સિવાય બોલિંગ રેન્કિંગમાં ત્રણ સ્થાનનો ફાયદો મેળવતા 32માં સ્થાને પહોંચી ગયો છે. વોક્સને ઓલરાઉન્ડરોના રેન્કિંગમાં પણ પાંચ સ્થાનનો ફાયદો થયો છે. હવે તે સાતમાં નંબર પર છે. શાકિબ અલ હસન પ્રથમ, જાડેજા બીજા અને અશ્વિન ત્રીજા સ્થાને છે.