વિરાટ કોહલી બે વર્ષમાં સચિનની 49 સદીનો રેકોર્ડ તોડી શકે છે
વિરાટ કોહલીએ વર્ષ 2018માં 5 સદી ફટકારી દીધી છે, સાથે જ તે 2018માં વન ડે અને ટેસ્ટ બંને ફોર્મેટમાં સૌથી વધુ રન અને સૌથી વધુ સદી બનાવનારો ખેલાડી પણ છે
નવી દિલ્હીઃ સચિન તેંડુલકરનું નામ આવતાં જ સૌથી પહેલાં તેના સૌથી વધુ સદી અને સૌથી વધુ રનનો રેકોર્ડ નજર સામે આવી જાય છે. જોકે, હવે એવું લાગી રહ્યું છે કે તેનો વન ડેમાં સૌથી વધુ 49 સદીનો રેકોર્ડ વધુ દિવસ ટકશે નહીં. માસ્ટર બ્લાસ્ટરના આ રેકોર્ડ પર ટીમ ઈન્ડિયાના નવા 'રનમશીન' વિરાટ કોહલીની નજર છે.
વિરાટ કોહલી વર્ષ 2018માં અત્યાર સુધી 5 સદી ફટકારી ચૂક્યો છે. જો તે આ જ રીતે રમતો રહેશે તો આગામી બે વર્ષના અંદર સચિન તેંડુલકરનો સૌથી વધુ સદીનો રેકોર્ડ તોડી શકે છે.
2018નો સૌથી સફળ બેટ્સમેન છે વિરાટ
29 વર્ષનો વિરાટ કોહલી વર્ષ 2018નો સૌથી સફળ બેટ્સમેન છે. તે વન ડે અને ટેસ્ટ બંને ફોર્મેટમાં 1000થી વધુ રન બનાવનારો દુનિયાનો એકમાત્ર બેટ્સમેન છે. તેણે આ વર્ષે વન ડેમાં 1046 અને ટેસ્ટમાં 1063 રન બનાવ્યા છે. બંને ફોર્મેટના મળીને આ વર્ષે તેના નામે 9 સદી છે. ટી20માં આ વર્ષ તેના માટે સારું રહ્યું નથી. ટી20ની સાત ઈનિંગ્સમાં તેણે માત્ર 146 રન જ બનાવ્યા છે.
વિરાટની દરેક ઈનિંગ્સ તોડે છે સચિનનો એક રેકોર્ડ
એક સમય હતો જ્યારે સચિન મેદાન પર ઉતરવાની સાથે જ કોઈ ને કોઈ રેકોર્ડ પોતાને નામ કરતો હતો. ક્રિકેટના આંકડામાં રસ ધરાવતા લોકો જાણે છે કે, હવે વિરાટ કોહલી જ્યારે પણ કોઈ મોટી ઈનિંગ્સ રમે છે તો તેની સાથે જ તે સચિનનો કોઈ ને કોઈ રેકોર્ડ તોડી નાખે છે.
વિરાટે 2018માં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં મળીને 2255 રન બનાવ્યા છે. તે દુનિયાનો માત્ર ત્રીજો ક્રિકેટર છે જેણે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સતત ત્રણ વર્ષ 2000થી વધારે રન બનાવ્યા છે.
(વિરાટ કોહલી દ્વારા વન ડેમાં 10,000 રન પૂરા કરવા અંગે બીસીસીઆઈએ માત્ર એક શબ્દમાં ટ્વીટ કરીને તેને GOAT (ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ) જણાવ્યો છે.)
વીરાટનો હવે પછીનો ટાર્ગેટ વન ડેમાં 50 સદી
સચિનના નામે વન ડે ક્રિકેટના ત્રણ મોટા રેકોર્ડ છે. સૌથી વધુ 463 મેચ, સૌથી વધુ 18,426 રન અને સૌથી વધુ 49 સદી. વિરાટ કોહલીએ અત્યાર સુધી 213 મેચ રમી છે અને તેમાં તે 37 સદી ફટકારીને 10,076 રન બનાવી ચૂક્યો છે. સચિનનો સૌથી વધુ મેચ અને સૌથી વધુ રનનો રેકોર્ડ તો વિરાટની પહોંચથી હજુ ઘણે દૂર છે, પરંતુ તેનું વર્તમાન ફોર્મ જોતાં એવું લાગે છે કે સચિનની 49 સદીનો રેકોર્ડ તે એક-બે વર્ષમાં તોડી શકે છે.
વન ડેમાં 50 સદી ફટકારનારો વિરાટ કોહલી દુનિયાનો પ્રથમ ક્રિકેટર બને એવી અત્યારે સંપૂર્ણ સંભાવનાઓ દેખાઈ રહી છે. કારણ કે, કોહલી છેલ્લા 22 મહિનામાં 11 વન ડે સદી ફટકારી ચૂક્યો છે.
વિરાટે 10 વર્ષમાં બનાવી 37 સદી
દરેક ખેલાડીનું ફોર્મ હંમેશાં એક સરખું રહે નહીં એ સૌ જાણે છે. જો વિરાટની કારકિર્દી પર નજર કરીએ તો અત્યારે તેની ઉંમર 30 વર્ષની છે. તેણે 10 વર્ષમાં 37 સદી ફટકારી છે. એટલે કે એક વર્ષમાં સરેરાશ 4 સદી ફટકારી છે. વિરાટને સચિનનો રેકોર્ડ તોડવા માટે 12 સદીની જરૂર છે. આથી તેની સરેરાશની દૃષ્ટિએ જોઈએ તો સચિનનો રેકોર્ડ તોડવા માટે તેને 3 વર્ષનો સમય લાગી શકે છે.
(સચિન તેંડુલકરે તાજેતરમાં જ ભુટાનમાં યુનિસેફના એક પ્રોગ્રામમાં બાળકોને ક્રિકેટની ટીપ્સ આપી હતી. ફોટો- IANS)
213 મેચ બાદ વિરાટ અને સચિન
2008માં પદાર્પણ કરનારા વિરાટ કોહલીએ 10 વર્ષની કારકિર્દીમાં 213 મેચ રમી છે. તેણે આ મેચોમાં 59.62ની સરેરાશ સાથે 10,076 રન બનાવ્યા છે. જેમાં 37 સદી અને 48 અડધી સદી છે. વિરાટના નામે સૌથી ઝડપથી 8000, 9000 અને 10,000 રન બનાવવાનો પણ રેકોર્ડ છે.
તેની સામે સચિન તેંડુલકરે 1989માં વન ડેમાં પદાર્પણ કર્યું હતું અને તેની 231 વન ડે પુરી થઈ ત્યારે 7,969 રન બનાવ્યા હતા. જેમાં 22 સદી ફટકારી હતી. એટલે કે, કારકિર્દીના પ્રથમ હાફમાં વિરાટના આંકડા સચિન કરતાં વધુ સારા છે.