દુબઈઃ વિશ્વકપ 2023માં બેટથી ધમાલ મચાવનારા ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીને આઈસીસી દ્વારા વનડે ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો છે. વિરાટ કોહલી ચોથીવાર આ સન્માન હાસિલ કરવામાં સફળ રહ્યો છે. 2023 પહેલા કોહલીએ 2012, 2017 અને 2018માં આઈસીસી વનડે ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વનડેમાં કોહલીનું શાદનાર પ્રદર્શન
વર્ષ 2023માં વનડે ક્રિકેટમાં કમાલ કરતા વિરાટ કોહલીએ 27 મેચમાં 1377 રન ફટકાર્યા હતા. વિરાટ કોહલીએ 2023માં બોલિંગમાં પણ એક વિકેટ ઝડપી હતી.  સતત ત્રણ વર્ષ સુધી સદી ન ફટકારવાને કારણે કોહલી આલોચકોના નિશાને હતો. એક સમયે ટીમમાં વિરાટની જગ્યાને લઈને સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં હતા. પરંતુ વિરાટ કોહલીએ 2022માં શાનદાર વાપસી કરી અને 2023માં તો ધમાલ મચાવી દીધી હતી. વિરાટ કોહલીએ વિશ્વકપની 11 ઈનિંગમાં 765 રન ફટકારી વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. કોહલી વિશ્વકપની એક સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટર બની ગયો છે.


વનડેમાં વિરાટ કોહલી કિંગ
વનડે ક્રિકેટમાં વિરાટ કોહલી જેવો કોઈ અન્ય બેટર નથી. વિરાટ કોહલી દુનિયાનો એકમાત્ર એવો બેટર છે, જેણે એકદિવસીય ક્રિકેટમાં 50 સદી ફટકારી છે. આ પહેલા સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે હતો, જેણે વનડેમાં 49 સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ અત્યાર સુધી 292 વનડે મેચની 280 ઈનિંગમાં 58.68ની એવરેજથી 13848 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ વનડેમાં 50 સદી અને 72 અડધી સદી ફટકારી છે.