નવી દિલ્હીઃ એશિયા કપમાં આરામ કર્યા બાદ વિરાટ કોહલી ટીમ સાથે જોડાઈ ગયો છે. ભારતીય ટીમ ચાર ઓક્ટોબરથી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ બે ટેસ્ટ મેચોની શ્રેણી રમશે. પ્રથમ ટેસ્ટ મેચ રાજકોટમાં રમાશે. આ શ્રેણીમાં વિરાટ કોહલી ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ વિરાટને આરામ આપવાને લઈને ખુલાસો કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય ટીમ બાંગ્લાદેશને ત્રણ વિકેટે હરાવીને એશિયા કપમાં ચેમ્પિયન બની હતી. વિરાટને આ ટૂર્નામેન્ટ માટે આરામ આપવામાં આવ્યો હતો. તેના સ્થાને રોહિત શર્માને કેપ્ટનશિપ આપવામાં આવી હતી. કોચ રવિ શાસ્ત્રીએ તે કારણો વિશે વિસ્તારથી જણાવ્યું કે, આ કારણે વિરાટ કોહલીને એશિયા કપમાં આરામ આપવામાં આવ્યો હતો. 


શાસ્ત્રીએ ગલ્ફ ન્યૂઝને કહ્યું, વિરાટને આરામની જરૂર હતી. આમ તો શારીરિક રૂપથી હંમેશા ઉર્જાથી ભરેલો રહે છે. તે મેદાનની દરેક ગતિવિધિમાં સંપૂર્ણ રીતે સામેલ થાય છે. બધા જાણે છે કે વિરાટ જ્યારે રમે છે ત્યારે મેદાન પર ઉર્જાથી ભરપૂર જોવા મળે છે. શાસ્ત્રીએ કહ્યું કે, આ માત્ર માનસિક થાકનો મામલો હતો. વિરાટને આરામ આપવાનો ઈરાદો તેના મગજને ક્રિકેટથી દૂર રાખવાનો હતો. 


વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ જાહેર થયેલી ટીમ ઈન્ડિયામાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. તેમાં એશિયા કપ જીતાડનાર કેપ્ટન રોહિત શર્મા અને ધવનને સામેલ કરવામાં આવ્યા નથી. તો કરૂણ નાયર, દિનેશ કાર્તિકને પણ બહાર કરવામાં આવ્યા છે. મુરલી વિજયને પણ સ્થાન આપવામાં આવ્યું નથી. 


વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શ્રેણી માટે ઓપનર શિખર ધવન અને મુરલી વિજયના સ્થાને પૃથ્વી શો અને મયંક અગ્રવાલને સ્થાન આપવામાં આવ્યુ છે. બુમરાહ અને ભુવનેશ્વર કુમારને પણ આરામ આપવામાં આવ્યો છે. ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજ ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળશે.