વિદેશમાં ટેસ્ટ જીતવા પર ડબલ પોઈન્ટ મળવા જોઈએઃ વિરાટ કોહલી
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે કહ્યું કે, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં વિદેશમાં જીત મેળવવા પર ડબલ પોઈન્ટ મળવા જોઈએ.
પુણેઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે કહ્યું કે, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં વિદેશમાં જીત મેળવવા પર બમણા પોઈન્ટ મળવા જોઈએ. તેણે કહ્યું કે, આ ચેમ્પિયનશિપથી પાંચ દિવસ ફોર્મેટનું સ્તર સારૂ થયું છે. હાલમાં સિરીઝમાં 'ક્લીન સ્વીપ' કરવા પર એક ટીમને 120 પોઈન્ટ મળે છે ભલે તે બે મેચોની સિરીઝ હોય કે પાંચ મેચોની.
વિદેશમાં રમાઇ હોય કે પોતાની ધરતી પર. કોહલીએ કહ્યું, 'જો તમે મને પોઈન્ટ ટેબલ બનાવવાનું કહો છો તો હું વિદેશમાં જીત મળવા પર ડબલ પોઈન્ટ આપું. હું પ્રથમ સત્ર બાદ આ ફેરફાર જોવા ઈચ્છીશ.' ભારત 160 પોઈન્ટ લઈને ટોપ પર છે. ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને 2-0થી હરાવીને 120 પોઈન્ટ મેળવ્યા હતા.
આ સિવાય દક્ષિણ આફ્રિકા પર પ્રથમ ટેસ્ટમાં 203 રનથી મળેલી જીતથી 40 પોઈન્ટ મળ્યા છે. કોહલીએ ખુશઈ વ્યક્ત કરી કે હવે કોઈ ટીમ ડ્રો રમવા ઈચ્છતી નથી. તેણે કહ્યું, 'દરેક મેચનું મહત્વ વધી ગયું છે. પહેલા ત્રણ મેચોની સિરીઝમાં તમે ડ્રો માટે રમી શકતા હતા પરંતુ હવે ટીમો જીતવા માટે રમી રહી છે, જેથી વધુ પોઈન્ટ મેળવી શકે.'
INDvsSA: ટીમ ઈન્ડિયા ઘરમાં 6 વર્ષમાં માત્ર એક ટેસ્ટ હારી, હવે તે મેદાન પર મુકાબલો
આ ટેસ્ટ ક્રિકેટ માટે સારૂ છે. ભારતીય કેપ્ટને કહ્યું, 'મેચ હવે વધુ રોમાંચક થઈ રહી છે. અમારે દરેક સત્રમાં પ્રોફેશનલ પ્રદર્શન કરવું પડશે. ખેલાડીઓએ પોતાની રમતના સ્તરમાં સતત સુધારો કરવો પડશે.'