નોર્ટિંઘમ: ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની મેચ વરસાદના કારણે એક પણ બોલ પડ્યા વગર જ ધોવાઈ ગઈ. હવે ભારતની આગામી મેચ 16મી જૂનના રોજ માનચેસ્ટરમાં પાકિસ્તાન સામે છે. ન્યૂઝિલેન્ડ વિરુદ્ધની વર્લ્ડ કપની મેચ વરસાદના કારણે રદ થઈ ગયા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ નિરાશા વ્યક્ત કરી. જો કે તેણે પોતાનું પૂરેપૂરું ફોકસ પાકિસ્તાન સામેની આગામી મેચ પર જમાવી દીધુ છે. કોહલીએ કહ્યું કે આ મેચમાં તેઓ પાકિસ્તાન સામે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોહલીએ આગામી મેચ વિશે કહ્યું કે "વર્ષોથી અમારા મુકાબલા પ્રતિસ્પર્ધી રહ્યાં છે. દુનિયાભરમાં લોકોને તેમાં રસ હોય છે અને આટલી મોટી મેચનો ભાગ હોવું એ ગર્વની વાત છે. તેમાં અમે અમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીએ છીએ." તેણે કહ્યું કે "અમને ખબર છે કે અમારી માનસિક તૈયારી પૂરી છે. મેદાન  પર જઈને રણનીતિનો અમલ કરવાનો છે."


સરહદની આરપાર બંને દેશોના ક્રિકેટ પ્રેમીઓ આ મેચની ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કોહલીએ કહ્યું કે "મેદાન પર ઉતરતા જ બધુ શાંત થઈ જાય છે. બહારથી માહોલ પહેલી નજરે ડરામણો દેખાય પરંતુ અંદર એવું કઈ હોતું નથી. અમે અમારી રણનીતિનો અમલ કરીશું."


મેચ રદ્દ થતા નિરાશા વ્યક્ત કરી
વરસાદના કારણે ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની મેચ રદ્દ થતા કોહલીએ નિરાશા વ્યક્ત કરી. ભારતીય કેપ્ટને કહ્યું કે ખેલાડીઓના દ્રષ્ટિકોણ અને પોઈન્ટ ટેબલ જોઈએ તો મેચ ન રમવી નિરાશાજનક છે. પરંતુ જ્યારે રમવા લાયક સ્થિતિ ન હોય તો મેદાન પર ન ઉતરવું જ સારું હોય છે. હાલ કોઈને ઈજા થાય તેવું નથી ઈચ્છતા. અમે અત્યારના સમયમાં સારું ક્રિકેટ રમીએ છીએ. આથી અમને ચિંતા નથી કે અમે પોઈન્ટ ટેબલમાં ક્યાં છીએ. 


ધવન પર નજર રખાઈ રહી છે
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે ઈજાગ્રસ્ત શિખર ધવન પર નજર રખાઈ રહી છે. થોડા દિવસો સુધી તેના અંગુઠામાં પ્લાસ્ટર રહેશે. ધવનને અંગુઠામાં ઈજા છે અને તે બીસીસીઆઈની મેડિકલ ટીમની નિગરાણીમાં છે. ટીમે હજુ સુધી તેના વિકલ્પની જાહેરાત નથી કરી કારણ કે ટીમને તેની વાપસીની આશા છે. કેપ્ટને એમ પણ કહ્યું કે ધવન સેમીફાઈનલ પહેલા ઠીક થઈ જશે તેવી આશા છે.