બેંગ્લુરુ: ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની કેરિયર અત્યાર ખુબ સારા તબક્કામાંથી પસાર થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સફળતાના નવા નવા રેકોર્ડ સ્થાપિત કરતો જાય છે. જ્યારે આઈપીએલમાં પણ સારી બેટિંગ કરી છે. વર્ષ 2018ની આઈપીએલમાં પોતાની ટીમ બેંગ્લુરુના પ્રદર્શનના અનેક ઉતાર ચઢાવ બાદ પણ ટીમને તેઓ પ્રોત્સાહિત કરતો જોવા મળે છે. એક સમયે આઈપીએલના પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે પહોંચી ગયા બાદ પોતે જવાબદારી લઈને ટીમને આગળ લાવ્યો અને હવે પ્લેઓફની રેસમાં ટીમને ટકાવી રાખી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ જેટલો એક ખેલાડી તરીકે મશહૂર છે તેટલી જ તેની બ્રાન્ડ વેલ્યૂ પણ ખુબ વધુ છે. હાલમાં જ ટાઈમ મેગેઝીનની આ વર્ષની દુનિયાની 100 સૌથી વધુ પ્રભાવશાળી હસ્તીઓની સૂચિમાં વિરાટનું નામ સામેલ છે. આ અગાઉ ભારતીય ખેલાડીઓમાં સચિન તેંદુલકરને જ આ સન્માન મળ્યું હતું. વિરાટ પોતે એક ફેશન સ્ટેટમેન્ટ છે. તેના પહેરવેશથી લઈને ટેટૂઝ ખુબ મશહૂર છે.


હાલ વિરાટ દાઢીમાં જોવા મળે છે. તેણે કહ્યું કે તે પોતાની દાઢી કપાવશે નહીં. કારણ કે દાઢી તેના પર સારી લાગે છે. વિરાટે એક પ્રચાર કાર્યક્રમ દરમિયાન કહ્યું કે મને ખરેખર તે ખુબ પસંદ છે. મને લાગે છે કે તે મારા પર સારી લાગે છે અને આથી હું તેને કપાવીશ નહીં.


ભારતીય ખેલાડીઓએ સમગ્ર ઘરેલુ સત્ર દરમિયાન દાઢી રાખી હતી પરંતુ રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ દાઢી કપાવી નાખી. આ અગાઉ જ્યારે જાડેજાએ ઈન્સ્ટાગ્રામ પર દાઢી કરવાનો પડકાર ફેંક્યો હતો ત્યારે પણ કોહલીએ દાઢી કપાવવાની ના પાડી દીધી હતી.


ટેટૂઝનો પણ ખુબ શોખીન છે વિરાટ
વિરાટ પોતાના લૂક્સ પ્રત્યે ખુબ ધ્યાન રાખે છે. દાઢી તેને આવતી જતી રહે છે. આ ઉપરાંત વિરાટ કોહલીને ટેટૂ પણ ખુબ ગમે છે. તેના ટેટૂ મેદાન પર તેની આક્રમક છબીને સાથ આપતા જોવા મળે છે. વિરાટ કોહલીની એક બાજુ ત્રણ મોટા ટેટૂ છે જેમાંથી સૌથી ખાસ ટેટૂ જાપાની સમુરાઈ યોદ્ધાનો છે. આ જાપાની સમુરાઈ હાથમાં એક તલવાર સાથે છે જેને તે પોતાનું ગુડલક માને છે. આ ઉપરાંત શાંતિ અને શક્તિના સ્થાનનું પ્રતિક મોનેસ્ટ્રીનો ટેટૂ છે.


વિરાટની બીજી બાજુ કૈલાશ પર્વતના માનસરોવરમાં ધ્યાનમગ્ન અવસ્થામાં ભગવાન શિવનું ટેટૂ છે. પોતાના માતા પિતા પ્રત્યે પ્રેમ દર્શાવવા માટે તેણે હાથના પાછળના ભાગમાં ઉપર તરફ માતા પિતાનું નામ હિંદીમાં લખાવ્યું છે. એક હાથના ખભા પર ગોડ્સ આઈનું ટેટૂ છે. જે જોવાની શક્તિનું પ્રતિક છે. તેની બરાબર પાછળ વિરાટે નેગેટિવ એનર્જીથી બચવા માટે ઓમનું ટેટૂ બનાવડાવ્યું છે.


આ ઉપરાંત જોડિયેક સાઈન સ્કોર્પિયો (વૃશ્ચિક)નું ટેટૂ પણ બનાવડાવ્યું છે. તથા એક ચાઈનીઝ સિમ્બોલ પણ કરાવ્યો છે જે વિશ્વાસનું પ્રતિક છે.