World Cup 2023: શાનદાર ફોર્મમાં ચાલી રહેલા સ્ટાર બેટર વિરાટ કોહલીએ ભારતમાં સમાપ્ત થયેલા વિશ્વકપમાં સર્વાધિક રન બનાવવાની સાથે વિશ્વકપ ઈતિહાસમાં એક ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર બેટર બન્યો, જ્યારે મોહમ્મદ શમી શરૂઆતી ચાર મેચમાં બહાર રહ્યાં બાદ સૌથી સફળ બોલર રહ્યો. કોહલીએ વિશ્વકપ 2023માં 11 મેચમાં 95.62ની એવરેજથી 765 રન બનાવ્યા જે વર્લ્ડ રેકોર્ડ છે. કોહલીએ ત્રણ સદી અને છ અડધી સદી ફટકારી, પરંતુ તે ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં નિષ્ફળ રહ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલીને મળ્યું મોટુ ઈનામ
કોહલીએ પોતાના આદર્શ અને મહાન બેટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો જે 2003ના વિશ્વકપમાં 673 રન બનાવી ટોપ સ્કોરર રહ્યો હતો. ભારતીય ટીમે 2003ના વિશ્વકપમાં પણ ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 11 મેચમાં 1 સદી અને ત્રણ અડધી સદીની મદદથી 597 રન બનાવ્યા અને તે સર્વાધિક રન બનાવવાના મામલે બીજા સ્થાને રહ્યો છે. 


આ પણ વાંચોઃ ફરી ભારત માટે પનોતી સાબિત થયા આ અમ્પાયર, ઈન્ડિયાની ઘણી મોટી હારના રહ્યાં છે સાક્ષી


કોહલી પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ
ટોપ પાંચ બેટરોમાં કોહલી અને રોહિત બાદ દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડિકોક  (594 રન) અને ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્ર (578 રન) તથા ડેરિલ મિશેલ (552 રન) સામેલ છે. ટાઈટલ જીતનાર ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી સફળ બેટર ડેવિડ વોર્નર રહ્યો, જે આ યાદીમાં 535 રનની સાથે છઠ્ઠા સ્થાને રહ્યો. ભારતીય સ્ટાર બેટર વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો એવોર્ડ આપવામાં આવ્યો છે. 


શમી રહ્યો બેસ્ટ બોલર
શમીએ ટૂર્નામેન્ટમાં ત્રણ વખત એક ઈનિંગમાં પાંચ કે તેનાથી વધુ વિકેટ ઝડપી હતી. સેમીફાઈનલમાં મોહમ્મદ શમીએ ટૂર્નામેન્ટનું શાનદાર પ્રદર્શન કરતા 57 રન આપી 7 વિકેટ લીધી હતી. મોહમ્મદ શમીએ ટૂર્નામેન્ટમાં કુલ 24 વિકેટ ઝડપી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાનો એડમ ઝમ્પા 11 મેચમાં 23 વિકેટની સાથે બીજા સ્થાને રહ્યો છે. શ્રીલંકાનો દિલશાન મદુશંકા (21 વિકેટ), ભારતનો જસપ્રીત બુમરાહ (20 વિકેટ) અને દક્ષિણ આફ્રિકાનો ગેરાલ્ડ કોએટ્ઝી (20 વિકેટ) પણ ટોપ પાંચ બોલરોમાં સામેલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube