નવી દિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે ઘણી યાદગાર ઈનિંગ રમનાર વીવીએસ લક્ષ્મણ આજે પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. 2012મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેનાર લક્ષ્મણ હવે બીજી ઈનિંગ કોમેન્ટ્રેટરના રૂપમાં રમી રહ્યો છે. 18 વર્ષ પહેલા 2001મા વીવીએસ લક્ષ્મણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કોલકત્તા ટેસ્ટમાં 281 રનની એવી શાનદાર ઈનિંગ રમી હતી, જેને ટેસ્ટ ક્રિકેટની સર્વશ્રેષ્ઠ ઈનિંગમાં ગણવામાં આવે છે. લક્ષ્મણની તે ટેસ્ટ ઈનિંગે હારના દરવાજે ઉભેલી ટીમ ઈન્ડિયાને ન માત્ર તે ટેસ્ટમાં જીત અપાવી પરંતુ તે સિરીઝમાં પણ ઓસ્ટ્રેલિયાને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીવીએસ લક્ષ્મણની 281 રનની તે ઈનિંગ ભારતીય ક્રિકેટ ઈતિહાસના સુવર્ણ ક્ષણની શરૂઆતની ગાથા પણ છે. તે સમયે સૌરવ ગાંગુલીના નેતૃત્વમાં યુવા ટીમ ઉભી થઈ રહી હતી અને તેણે સ્ટીવ વોના નેતૃત્વ વાળી એવી શક્તિશાળી ઓસ્ટ્રેલિયાની ટીમનો સામનો કરવાનો હતો, જે સતત 15 ટેસ્ટ મેચ જીતીને આપી હતી. વિશ્વભરમાં પોતાની જીતનો ડંકો વગાડી રહેલી ઓસ્ટ્રેલિયાની સાથે ભારતીય ટીમ નબળી જણાતી હતી. જાણકાર માની રહ્યાં હતા કે તે કાંગારૂ ટીમ ભારતને તમામ ટેસ્ટમાં મોટા-મોટા અંતરથી પરાજય આપશે અને પ્રત્યેક ટેસ્ટને તે ત્રણ દિવસ કરતા વધુ ચાલવા દેશે નહીં. આશા પ્રમાણે મુંબઈમાં રમાયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટમાં તે જ થયું, જેની જાણકાર પહેલાથી ભવિષ્યવાણી કરી રહ્યાં હતા. ટીમ ઈન્ડિયા મુંબઈ ટેસ્ટ 3 દિવસમાં 10 વિકેટથી હારી ગઈ હતી. 


બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા કોલકત્તા આવી અને તેણે અહીં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. કાંગારૂ ટીમે પોતાની પ્રથમ ઈનિંગમાં 445 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ ઈનિંગમાં માત્ર 171 રન બનાવી શકી હતી. ગ્લેન મેક્ગ્રાએ 4/18 વિકેટ પોતાના નામે કરી હતી. પ્રથમ ઈનિંગના આધાર પર ટીમ ઈન્ડિયા ઓસિથી 274 રન પાછળ હતી અને સ્ટીવ વોએ તેને ફોલો ઓન આપ્યું હતું. આ ફોલો ઓનમાં લક્ષ્મણ અને દ્રવિડે સાથે મળીને એવી ભાગીદારી કરી કે વર્ષોથી ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું રાજ કરી રહેલી કાંગારૂ ટીમ ઘુંટણ પર આવી ગઈ હતી. 


બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ 52 રન પર પોતાની પ્રથમ વિકેટ ગુમાવી તો કેપ્ટન ગાંગુલીએ લક્ષ્મણને નંબર 3 પર મોકલી આપ્યો હતો. લક્ષ્મણે એક છેડો સાચવ્યો પરંતુ બીજા છેડે નિયમિત અંતરે વિકેટ પડતી રહી. 232 રન સુધી પહોંચતા ભારતે પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી તેમાં સચિન (10) અને ગાંગુલી (48)ની વિકેટ પણ સામેલ હતી. પરંતુ લક્ષ્મણનો સાથ આપવા જ્યારે દ્રવિડ મેદાન પર આવ્યો તો ત્યાં એક નવો ઈતિહાસ ટીમ ઈન્ડિયાની રાહ જોઈ રહ્યો હતો. 

ક્રાઇસ્ટચર્ચ T-20: જેમ્સ વિન્સની અડધી સદી, ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું  


ટેસ્ટ ક્રિકેટમાં આ બંન્ને નિષ્ણાંત બેટ્સમેનોએ પોતાની જુગલબંધી શરૂ કરી અને જોતા જોતા ઓસ્ટ્રેલિયાનો પરસેવો છૂટવા લાગ્યો હતો. પહેલા ભારતે ઓસ્ટ્રેલિયાનો પ્રથમ ઈનિંગનો સ્કોર પાર કર્યો અને પછી લીડ લેવાનો સિલસિલો શરૂ થયો હતો. બંન્નેએ 104 ઓવર સુધી કાંગારૂ બોલરોને કોઈ વિકેટ ન આપી અને બંન્ને દોઢ દિવસ સુધી બેટિંગ કરતા જોવા મળ્યા હતા. 5મી વિકેટના રૂપમાં જ્યારે લક્ષ્મણ આઉટ થયો ત્યારે તે 281 રનની શાનદાર ઈનિંગ રમી ચુક્યો હતો. એક સમયે ટીમ ઈન્ડિયા તે ટેસ્ટ મેચને બચાવવાનું વિચારી રહી હતી હવે ઓસ્ટ્રેલિયા પર હારનો ખતરો હતો. બીજા છેડે રાહુલ દ્રવિડ 180 રન બનાવી આઉટ થયો હતો. 


ગાંગુલીએ અહીં ભારતની ઈનિંગ 657/7 પર ડિકલેર રી અને કાંગારૂ ટીમને હવે મેચ અને સિરીઝ જીતવા માટે 384 રનની જરૂર હતી. ભારતીય બોલરો જ્યારે મેચ બચાવવા માટે બોર્ડ પર પર્યાપ્ત રન જોવા મળ્યા તો તેનો બચાવ કર્યો અને કાંગારૂ ટીમ માત્ર 212 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે આ મેચ 171 રને પોતાના નામે કરી હતી. 281 રનની ઈનિંગ રમનાર લક્ષ્મણ ઈતિહાસ લખી ચુક્યો હતો. ક્રિકેટના પંડિત લક્ષ્મણની આ ઈનિંગને સૌથી મહાન ઈનિંગ ગણે છે. આ ટેસ્ટ મેચ બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ વોએ  વીવીએસ લક્ષ્મણના નામને નવા રૂપમાં પરિભાષિત કર્યું હતું. સ્ટીવ વોએ ત્યારે કહ્યું કે, VVSનો મતલબ હવે 'વેરી-વેરી સ્પેશિયલ' છે કારણ કે તેણે વેરી-વેરી સ્પેશિયલ ઈનિંગ રમી છે. 

Day-Night Test માટે યોજાશે મોટો સમારોહ, દાદાએ PM Modi, સચિનને મોકલ્યું આમંત્રણ


બાદમાં ભારતે આ સિરીઝ પણ 2-1થી પોતાના નામે કરી હતી. ટેસ્ટ ઈતિહાસમાં આવું ત્રણ વખત થયું છે, જ્યારે કોઈ ટીમ ફોલો ઓનનો પીછો કરતા ટેસ્ટ મેચ જીતી હોય. બે વખત ઈંગ્લેન્ડની ટીમે 1894 અને 1981મા ફોલોઓન રમતા જીતી હતી અને ત્રીજાવાર ભારતે આમ કર્યું હતું. આ ત્રણેય તકે વિરોધી ટીમ ઓસ્ટ્રેલિયા રહી, જેણે ફોલો ઓન આપવા પર હારનો સામનો કરવો પડ્યો હતો.