નવી દિલ્હીઃ યજમાન ભારત શનિવાર (2 માર્ચ)એ જ્યારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ વનડેમાં અંતિમ ઇલેવનની જાહેરાત કરી તો તે ખેલાડીનું નામ ન હતું, જેણે ટી20 સિરીઝમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. અમે કેએલ રાહુલની વાત કરી રહ્યાં છીએ. ભારતીય ટીમ મેનેજમેન્ટે તેને વનડે સિરીઝના પ્રથમ મેચમાં તક ન આપી. પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટ્રેટર વીવીએસ લક્ષ્મણ, આકાશ ચોપડા અને ગૌતમ ગંભીર ટીમ મેનેજમેન્ટના આ નિર્ણય સાથે અસહમત દેખાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 સિરીઝના બે મેચોમાં 50 અને 47 રન બનાવ્યા હતા. તેને વિશ્વકપ માટે ત્રીજા ઓપનર તરીકે જોવામાં આવી રહ્યો છે. પરંતુ તે ભારત માટે છેલ્લા બે મહિનામાં માત્ર બે મેચ રમ્યો છે. તેમાં એકપણ વનડે રમી નથી. તેવામાં આશા રાખવામાં આવી હતી કે, હૈદરાબાદ વનડેમાં તેને અંતિમ ઇલેવનમાં સ્થાન મળશે. 


ભારતીય ટીમે પોતાની ટી20 ટીમમાં પાંચ ફેરફાર કર્યા હતા. તેણે ટીમમાં રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, અંબાતી રાયડૂ અને કુલદીપ યાદવને સામેલ કર્યા હતા. તો કેએલ રાહુલ, રિષભ પંત, દિનેશ કાર્તિક, ક્રુણાલ પંડ્યા અને ચહલને અંતિમ ઇલેવનમાંથી બહાર રાખ્યા હતા. તેમાં કાર્તિક અને ક્રુણાલ પંડ્યા વનડે ટીમમાં નથી. 


રાહુલને અંતિમ ઇલેવનમાં સ્થાન ન મળતા વીવીએસ લક્ષ્મણે કહ્યું કે, તેને તક આપવાની જરૂર છે. લક્ષ્મણે કહ્યું કે, આ વિશ્વકપ પહેલા અંતિમ વનડે સિરીઝ છે. તેથી તેને વધુ તક આપવાની જરૂર છે. તેણે કહ્યું કે, ધવન અને રોહિત બંન્નેમાંથી એકને તમામ મેચોમાં આરામ આપીને રાહુલને તક આપવી જોઈએ. આકાશ ચોપડાએ પણ લક્ષ્મણની વાતને સમર્થન આપતા કહ્યું કે, ટીમ ઈન્ડિયાએ બોલિંગમાં ઘણા ફેરફાર કર્યા છે. ચહલને આરામ અપાયો તે સારી વાત છે. આશા છે કે જાડેજાને તમામ મેચોમાં તક મળશે અને કુલદીપ અને ચહલને વારાફરથી આરામ આપવામાં આવશે. આમ ઓપનિંગ બેટ્સમેન માટે પણ કરી શકાય છે. ગંભીરે પણ કહ્યું કે, રાહુલને તક આપવાની જરૂર છે.