નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર વકાર યૂનુસને વસીમ અકરમના જન્મદિવસની કેક કાપ્યા બાદ સોશિયલ મીડિયા પર માફી માંગવી પડી છે. મહત્વનું છે કે, પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન વસીમ અકરમે 3 જૂને પોતાનો 52મો જન્મદિવસ ઉજવ્યો. પાકિસ્તાન ટીમ આ દરમિયાન ઈંગ્લેન્ડની સાથે પોતાની બીજી ટેસ્ટ રમતી હતી. તેવામાં વકાર યૂનુસે ટેસ્ટ મેચ વચ્ચે કોમેન્ટ્રી કરતા સમયે વસીમ અકરમના જન્મદિવસની કેક કાપી. વકારે રમજાન મહિનામાં કેક કાપી, તેના કારણે તેની ટિક્કા કરવામાં આવી. ત્યારબાદ વકારે સોશિયલ મીડિયા પર બધાની માફી માંગી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેડિંગ્લેમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં વકાર યૂનુસ, રમીઝ રાજા અને વસીમ અકરમ કોમેન્ટ્રી કરી રહ્યાં હતા. રવિવાર (3 જૂન)ને વસીમ અકરમનો જન્મદિવસ પણ હતો. તેવામાં વકાર યૂનુસે વસીમ અકરમનો જન્મદિવસ ઉજવવા વિશે વિચાર્યું અને કોમેન્ટ્રી બોક્સમાં જ રમીઝ રાજાની સાથે મળીને વસીમ અકરમનો જન્મદિવસ કેક કાપીને ઉજવવામાં આવ્યો. 


આ ત્રણેયની કેક કાપતી તસ્વીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ. આ ફોટોમાં વસીમ અકરમ પૂર્વ સાથી ખેલાડી રમીઝ રાજા અને વસીમ અકરમની સાથે પ્રેસ બોક્સમાં જોવા  મળી રહ્યાં છે. આ ફોટો વાયરલ થયા બાદ વકાર યૂનુસ અને વસીમ અકરમ બંન્નેએ સોશિયલ મીડિયા પર આલોચનાનો સામનો કરવો પડ્યો. લોકોએ તેને બિનજવાબદાર ગણાવ્યા અને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યા. 


સોશિયલ મીડિયા પર આલોચના બાદ વકાર યૂનુસે માફી માંગતા લખ્યું- અમારે રમજાન અને રોજા રાખનારનું સન્માન કરવું જોઈએ. આમ કરવા માટે માફી. 



ઉલ્લેખનીય છે કે, બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનના એક ઈનિંગ અને 55 રને હરાવ્યું હતું. આ હારની સાથે ટેસ્ટ શ્રેણી 1-1થી ડ્રો રહી હતી. સ્વિંગના કિંગ અને સ્વિંગના સુલ્તાનના નામથી જાણીતા વસીમ અકરમનો જન્મ 3 જૂન 1966ના લાહોર પાકિસ્તાનમાં થયો હતો. 19 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરનાર વસીમ અકરમે 104 ટેસ્ટ અને 356 વનડેમાં કુલ મળીને 916 આંતરરાષ્ટ્રીય વિકેટ (ટેસ્ટમાં 414 અને વનડેમાં 502) ઝડપી છે.