નવી દિલ્હીઃ ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝનો પ્રથમ મેચ એડિલેડમાં રમાશે. પરંતુ આ પહેલા એક ઓસ્ટ્રેલિયન બેટ્સમેને એડિલેડમાં મોટો ધડાકો કરી દીધો છે. આ કાંગારૂ બેટ્સમેને એક ઓવરમાં છ સિક્સ મારતા બેવડી સદી ફટકારી છે. એડિલેડના મેદાન પર આ ધમાકો કરનાર બેટ્સમેનનું નામ ઓલી ડાવિસ છે. ન્યૂ સાઉથ વેલ્સ મેટ્રો ટીમના કેપ્ટન ડાવિસે આ કમાલ અન્ડર-19 ક્રિકેટ ચેમ્પિયનશિપમાં કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એડિલેડ નોર્દર્ન ટેરીટરી ટીમ વિરુદ્ધ રમાયેલા મેચમાં ડાવિસે માત્ર 115 બોલનો સામનો કરતા 207 રન બનાવ્યા હતા. 18 વર્ષીય બેટ્સમેન ડાવિસે આ ઈનિંગમાં રેકોર્ડ 17 સિક્સ અને 14 ચોગ્ગા ફટકાર્યા હતા. જેમાં એક ઓવરમાં ફટકારેલી છ સિક્સ પણ સામેલ છે. ડાવિસે મેચની 40મી ઓવરમાં સ્પિનર જૈક જોન્સ વિરુદ્ધ છ સિક્સ ફટકારી હતી. 


ડાવિસે કેટલી આક્રમક બેટિંગ કરી તેનો અંદાજ તે વાતથી લગાવી શકાય કે, સદી બાદ બેવડી સદી સુધી પહોંચવા માટે તેણે માત્ર 39 બોલનો સામનો કર્યો હતો. અન્ડર-19 નેશનલ ક્રિકેટ ચેમ્પિયનશિપે વનડે ફોર્મેટનું રૂપ લીધા બાદ ડાવિસની બેવડી સદી કોઈપણ બેટ્સમેન દ્વારા ટૂર્નામેન્ટમાં ફટકારેલી પ્રથમ બેવડી સદી છે. 



કેપ્ટન ડાવિસની શાનદાર બેવડી સદીને કારણે ટીમે 50 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 406 રન બનાવ્યા હતા. જેના જવાબમાં નોર્દર્ન ટેરિટરીની ટીમ 9 વિકેટ ગુમાવીનને 248 રન બનાવી શકી અને મેચ હારી ગઈ હતી.