VIDEO: માંડ માંડ બચ્યો આ ઈંગ્લેન્ડનો ખતરનાક બોલર, મોઢા પર લાગ્યો બોલ
બીજી ટેસ્ટ મેચ 9 ઓગસ્ટથી લોર્ડ્સમાં રમાશે, પરંતુ આ પહેલા જેમ્સ એન્ડરસનની સાથે એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ.
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનની બોલિંગ પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી. એન્ડરસનની શાનદાર બોલિંગને કારણે એજબેસ્ટનમાં શનિવાર (4 ઓગસ્ટ)એ ઈંગ્લેન્ડે ભારતને 31 રને હરાવી દીધું. કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર ઈનિંગ પણ જીત અપાવવામાં અસફળ રહી. ઈંગ્લેન્ડનો 1000મો ટેસ્ટ મેચ હતો જેને જીતીને તેણે આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવી દીધી. હવે બીજો ટેસ્ટ 9 ઓગસ્ટથી લોર્ડ્સમાં રમાશે, પરંતુ આ પહેલા જેમ્સ એન્ડરસન સાથે મોટી દુર્ઘટના થતા રહી ગઈ. ભારતીય ટીમને પોતાની બોલિંગથી પેશાન કરનાર અને ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ વિકેટ ઝડપનાર જેમ્સ એન્ડરસન રવિવારે (5 ઓગસ્ટ) સ્ટુઅર્ડ બ્રોડની સાથે ગોલ્ફ રમતા ઈજાગ્રસ્ત થઈ ગયો.
પોતાના ક્રિકેટ કેરિયરમાં જેમ્સ એન્ડરસન ઘણીવાર શૂન્ય પર આઉટ થયો હશે પરંતુ આ પ્રથમ અવસર હતો જ્યારે ગોલ્ફ રમતા પોતાના શોટ પર ઈજાગ્રસ્ત થયો. તેનો શોટ એક ઝાડ સાથે અથડાયો અને બોલ પરત તેના મોઢા પર વાગ્યો.
જેમ્સ એન્ડરસનની આ ઈજાનો વીડિઓ સ્ટુઅર્ડ બ્રોડે ટ્વીટર પર શેર કર્યો અને તેની સાથે જણાવ્યું કે, જેમ્સ એન્ડરસન સકુશળ છે. પરંતુ પોતાનું ગોલ્ફ કૌશલ દેખાડતા સમયે એન્ડરસને એમ્બેરેસમેન્ટનો સામનો જરૂર કરવો પડ્યો. આ ટ્વીટ પર ઘણી શાનદાર કોમેન્ટ પણ આવી.
બીજી ટેસ્ટમાં મલાનનું સ્થાન લઈને પદાર્પણ કરશે પોપ
ભારતીય ક્રિકેટ ટીમ વિરુદ્ધ રમાનારી બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના ડેવિડ મલાનના સ્થાન પર યુવા ખેલાડી ઓલી પોપને સામેલ કર્યો છે. બીબીસી રિપોર્ટ અનુસાર ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે બીજી ટેસ્ટ મેચ નવથી 13 ઓગસ્ટ લોર્ડ્સમાં રમાશે. તેવામાં 20 વર્ષિય સરે ખેલાડી પોપ ઈંગ્લેન્ડની સાથે ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરી શકે છે. તે કાઉન્ટી ચેમ્પિયનશિપ-1 ડિવિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે.