સેમિફાઇનલમાં હારથી નિરાશ રોહિત શર્માએ કહ્યું- મારૂ મન ભારે છે, તમારૂ પણ હશે

સેમિફાઇનલમાં ભારતની હારથી ફેન્સ ખુબ નિરાશ છે. ક્રિકેટના દિગ્ગજ પોતાના પ્રમાણે વિશ્લેષણ અને હારના કારણોની સમીક્ષા કરી રહ્યાં છે. આ વચ્ચે રોહિત શર્માએ ટ્વીટ કરીને હારથી નિરાશ ફેન્સ સાથે પોતાનું દુખ વ્યક્ત કર્યું છે.
માન્ચેસ્ટરઃ વિશ્વ કપમાં 5 સદી ફટકારનાર ભારતીય ટીમના ધુરંધર બેટ્સમેન રોહિત શર્માએ સેમિફાઇનલમાં મળેલા પરાજય પર ભાવુક ટ્વીટ કર્યું છે. તેણે સ્વીકાર કર્યો કે, ટીમ તરીકે તે યોગ્ય સમય પર પોતાનું શાનદાર પ્રદર્શન આપવામાં નિષ્ફળ રહ્યાં હતા. સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 18 રનથી હારીને ભારત વિશ્વકપમાંથી બહાર થઈ ગયું છે. દેશ અને વિદેશમાં રહેતા ભારતીય ફેન્સ ખૂબ નિરાશ છે. તેવામાં રોહિત પણ પોતાનું દુખ વ્યક્ત કર્યું છે. રોહિતે લખ્યું કે, તેનું મન ભારે છે.
ઉલ્લેખનીય છે કે વનડે ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમવાર ભારતના ત્રણ ટોપ બેટ્સમેન કેએલ રાહુલ, રોહિત શર્મા અને વિરાટ કોહલી વિશ્વ કપ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 1-1 રન પર આઉટ થઈ ગયા હતા. આવું ક્યારેય બન્યું નથી જ્યારે ટોપ ત્રણ બેટ્સમેન માત્ર એક-એક રન બનાવી આઉટ થઈ ગયા હોય. લીગ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય બેટ્સમેન નોકઆઉટમાં પ્રથમ પડકારનો સામનો કરવામાં અસમર્થ રહ્યાં હતા.
પરિણામ તે આવ્યું કે, 240 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમના શરૂઆતી બેટિંગ ઓર્ડરનો ધબડકો થયો હતો. એક સમયે ભારતે 5 રન પર 3 વિકેટ ગુમાવી દીધી હતી. એમએસ ધોની અને જાડેજાએ ઈનિંગ સંભાળવાનો પ્રયત્ન કર્યો પરંતુ જીત અપાવવામાં નિષ્ફળ રહ્યાં હતા. ઓપનિંગ બેટ્સમેને ટ્વીટ કર્યું, 'મહત્વના સમયમાં અમે એક ટીમ તરીકે અમારૂ સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યાં. 30 મિનિટની ખરાબ રમતે કપ જીતવાની અમારી તક છીનવી લીધી. મારૂ મન ભારે છે અને હું જાણું છું તમારૂ પણ હશે.'
મહેંદ્વ સિંહ ધોનીના રિટાયરમેન્ટની ચર્ચા માત્ર અફવા! ફેન્સે કહ્યું, 'કરોડો દિલોમાં વસે છે માહી'
ભારત ભલે વિશ્વકપમાંથી બહાર થઈ ગયું હોય પરંતુ અત્યાર સુધી રોહિત સૌથી વધુ રન બનાવનારની યાદીમાં પ્રથમ સ્થાને છે. તેણે 9 મેચમાં 648 રન બનાવ્યા, જેમાં વર્લ્ડ રેકોર્ડ 5 સદી સામેલ છે. ઓસ્ટ્રેલિયા પણ બહાર થઈ ગયું હોવાને કારણે વિશ્વકપ 2019મા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન તરીકે રોહિત શર્મા ટોપ પર રહેશે.